નવી દિલ્હી: ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કૉન્ફ્રરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સંવાદને લઈને કૉંગ્રેસે ગુરૂવારે તેમના પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે સેના દેશની સરહદો સંભાળી રહી છે અને પ્રધાન સેવક બૂથ સંભાળી રહ્યા છે. પાર્ટીએ એ આરોપ લગાવ્યો છે કે જ્યારે દેશ વાયુસેનાના પાયલટને પાછો લાવવા માટે વ્યાકુળ છે તે સમયે પ્રધાનમંત્રી સત્તામાં રહેવા માટે વ્યાકુળ છે.

કૉંગ્રેસેના મુખ્ય પ્રવક્તા રણધીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું, 'સેના સરહદ સંભાળી રહી છે, અને પ્રધાન સેવક બૂથ સંભાળી રહ્યા છે. આ છે સત્તાના સિપાહી'.


સુરજેવાલાએ એ પણ આરોપ લગાવ્યો કે, દેશ જાંબાજ, વિંગ કમાન્ડરને પરત લાવવા માટે વ્યાકુળ છે અને પ્રધાન સેવક સત્તા વાપસી માટે. સુરજેવાલાએ કહ્યું, કૉંગ્રેસે આજે ગુરૂવારે યોજાનારી મહત્વપૂર્ણ CWCની બેઠક અને રેલી રદ્દ કરી છે. દેશ અને બધા દળો સશસ્ત્ર સેનાઓ સાથે છે, પરંતુ મોદીજી વીડિયો કૉંન્ફરન્સનો રેકોર્ડ બનવવા માટે વ્યાકુળ છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ 'મારૂ બૂથ સૌથી મજબૂત' અભિયાન અંતર્ગત ગુરૂવારે નમો એપના માધ્યમથી દેશભરના પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.