લંડનઃ પંજાબ નેશનલ બેન્કને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનારા ભારતથી ફરાર નીરવ મોદીની ધરપકડ થઇ શકે છે. લંડનની કોર્ટે નીરવ મોદીની ધરપકડ માટે વોરન્ટ જાહેર કર્યું છે. ઇડીએ નીરવ મોદીના પ્રત્યાર્પણની અરજી વેસ્ટમિસ્ટર કોર્ટમાં કરી હતી. બાદમાં કોર્ટે નીરવ મોદી વિરુદ્ધ આ વોરન્ટ જાહેર કર્યું હતું.


ભાગેડુ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી લગભગ 14 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં આરોપી છે. નીરવ મોદી અને ચોક્સી વિરુદ્ધ ઇડી અને સીબીઆઇ તપાસ કરી રહી છે અને બંન્ને પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ ફરાર છે. બ્રિટનના ન્યૂઝપેપર ધ ટેલિગ્રાફે દાવો કર્યો હતો કે નીરવ મોદી લંડનમાં એક ભવ્ય એપાર્ટમેન્ટમાં રહે છે.


પીએનબી મેનેજમેન્ટના એક પત્રના જવાબમાં નીરવ મોદીએ કહ્યું હતું કે, તેની કંપનીઓ પર બેન્કની લોન પાંચ હજાર કરોડ રૂપિયાથી ઓછી છે. ખોટી રીતે બતાવવામાં આવેલી બાકી રકમને કારણે મીડિયામાં હોબાળો મચી ગયો અને તેનાથી મારી અનેક કંપનીઓનું કામ બંધ થઇ ગયું છે. જેનાથી જૂથ પર બેન્કની લોન ચૂકવવાની અમારી ક્ષમતા ખતરામાં પડી ગઇ છે.