પણજીઃ મનોહર પાર્રિકરના નિધન બાદ ગોવામાં નવી સરકારની રચનાને લઇને રાજકીય ધમાસાણ શરૂ થઇ ગયું છે. કોગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી હોવાના કારણે સરકાર રચવાનો દાવો રજૂ કરી રહી છે તો બીજી તરફ ભાજપ પોતાના સાથી પક્ષોને સાથે લઇ સરકાર રચવાના પ્રયાસમાં છે. સૂત્રોના મતે ગોવા વિધાનસભાના અધ્યક્ષ પ્રમોદ સાવંત રાજ્યના નવા મુખ્યમંત્રી બની શકે છે. તેમનો શપથગ્રહણ સમારોહ આજે રાત્રે જ થઇ શકે છે. નવા મુખ્યમંત્રીની રેસમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે પણ સામેલ છે. મનોહર પાર્રિકરના અંતિમ સંસ્કાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગોવાના ભાજપના તમામ ધારાસભ્યો પણજીની એક હોટલમાં પહોંચ્યા હતા.


સૂત્રોના મતે સુદીન ધાવલીકર અને વિજય સરદેસાઇને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગોવા ભાજપ ચીફ વિનય તેડુંલકરે કહ્યું હતું કે, હાલમાં કાંઇ નક્કી થયું નથી. આ અગાઉ કોગ્રેસના તમામ ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. નેતા વિપક્ષ અને કોગ્રેસ ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકરે કહ્યું કે, અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે કારણ કે કોગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. અમે રાજ્યપાલને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની માંગ કરી પોતાનો બહુમત સાબિત કરવા કહ્યું છે.