નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા અને તેનો ખાસ રાજ્યનો દરજ્જો ખત્મ કરી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી અમિત શાહની રાજ્યસભામાં આ ઐતિહાસિક જાહેરાત બાદ પાકિસ્તાને આ સ્થિતિ પર ચર્ચા માટે મંગળવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે.


પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડોક્ટર આરિફ અલ્વીએ મંગળવારે દેશની સંસદમાં સંયુક્ત સત્ર બોલાવ્યું છે. આ સંયુક્ત સત્ર આવતીકાલે સવારે 11 વાગ્યે બોલાવ્યું છે. આ બેઠકમાં કાશ્મીરમાં બદલતી સ્થિતિ પર ચર્ચા કરાશે. પાકિસ્તાનના સુરક્ષા દળોના વડા આ બેઠકમાં સામેલ થશે. પાકિસ્તાની સૈન્યના વડા જનરલ કમર જાવેદ બાજવા, ચીફ ઓફ ધ એર માર્શન મુઝાહિદ અનવર ખાન સહિત અનેક અન્ય ટોચના સૈન્ય અધિકારીઓ આ સંયુક્ત સત્રમા ભાગ લેશે.

ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં બે બિલ રજૂ કરતા જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવા અને રાજ્યના બે ભાગ કરવાની જાહેરાત કરી હતી. હવે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવશે. લદાખ જમ્મુ કાશ્મીરથી અલગ એક કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. જોકે, લદાખમાં વિધાનસભા નહી હોય.

મોદી સરકારના આ નિર્ણય અગાઉ જ જમ્મુ કાશ્મીરમાં ભારે સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા હતા . છેલ્લા સપ્તાહમાં સરકારે અચાનક સિક્યોરિટી એડવાઇઝરી જાહેર કરતા અમરનાથ યાત્રાને તરત ખત્મ કરવાની અને રાજ્યમાં ફરતા પ્રવાસીઓને તરત જ પોતાની યાત્રા સમાપ્ત કરી પોતાના રાજ્યમાં  પાછા ફરવાની સલાહ આપી હતી.