નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધોને પડકારતી અરજીઓ પર ચુકાદો આપી શકે છે. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ 370ને ગયા વર્ષે પાંચ ઓગસ્ટના રોજ ખત્મ કરી હતી. બાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા હતા. કોગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત અનેક અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં આ  પ્રતિબંધોને પડકાર્યા છે.

જસ્ટિસ એન.વી.રમન, જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ  બી.આર.ગવઇની બેન્ચે આ અરજીઓ પર ગયા વર્ષે 27 નવેમ્બરના રોજ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં લગાવાયેલા પ્રતિબંધોને સુપ્રીમ કોર્ટમાં એમ કહીને બચાવ કર્યો હતો કે આ પગલા સાવચેતીના ભાગરુપે લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગ કરવામાં આવ્યું નથી ના કોઇનો જીવ ગયો છે.


ગુલાબ નબી આઝાદ સિવાય સુપ્રીમ કોર્ટે કાશ્મીર ટાઇમ્સના એક્ઝિક્યૂટિવ એડિટર અનુરાધા ભસીન અને કેટલાક અન્ય અરજીકર્તાઓની અરજી સાંભળી હતી જેમાં ઘાટીમાં લાગેલા પ્રતિબંધો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.