નવી દિલ્હી: રાજ્યસભા બાદ કૉંગ્રેસે આજે લોકસભામાં પણ અનુચ્છેદ 370ને ખતમ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. જો કે આર્ટિકલ 370ના આ પ્રસ્તાવનો વિરોધ કરતા કૉંગ્રેસે સેલ્ફ ગોલ કરી લીધો. લોકસભામાં કૉંગ્રેસના સંસદીય નેતા અધીર રંજન ચૌધરીએ આ બિલ રજૂ કરવા પર વિરોધ કર્યો અને ભાજપને પૂછ્યું કે કાશ્મીર આંતરિક મામલો કઈ રીતે હોઈ શકે ? તેના બાદ ભાજપે તેને મુદ્દો બનાવી લીધો અને કૉંગ્રેસને ઘેરી લીધી.


લોકસભામાં જ્યારે અમિત શાહે પૂનર્ગઠન બિલ રજૂ કર્યું ત્યારે તેના જવાબમાં અધીર રંજને કહ્યું કે 1948થી લઈને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરના નિર્ણય પર સંયુક્ત રાષ્ટ્ર (UN) નજર રાખી રહ્યું છે. એવામાં આ આંતરિક મામલો કઈ રીતે હોઈ શકે. બસ કૉંગ્રેસ નેતાના આ નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહ ભડકી ઉઠ્યા હતા. તેઓએ કહ્યું કે કાશ્મીર આપણું છે અને pOk પણ, જરૂર પડી તો તેના માટે જીવ પણ આપી દઈશું.



પ્રસ્તાવનો વિરોધ કરી રહેલા અધિર રંજન ચૌધરીના આ નિવેદન પર યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ ચોંકી ગયા હતા. સોનિયા ગાંધી પણ નારાજ જોવા મળ્યા હતા. તેઓએ પાછળ બેઠેલા સાંસદોને ઈશારો પણ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, અધીર રંજનના નિવેદન પર અમિત શાહે સવાલ કર્યો હતો કે, “તેમ એ સ્પષ્ટ કરી દો કે આ કૉંગ્રેસનું સ્ટેન્ડ છે કે સંયુક્ત રાષ્ટ્ર કાશ્મીરને મૉનિટર કરી શકે છે.” જેના બાદ સદનમાં ભારે હંગામો થયો હતો.