નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ રાહુલ ગાંધીએ પહેલીવાર મૌન તોડ્યુ છે. સરકારના નિર્ણય અંગે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે.


પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું કે, 'રાષ્ટ્રીય અખંડતાને બનાવી રાખવા માટે જમ્મુ-કાશ્મીરના એકતરફી ટુકડા નથી કરી શકાતા. આ માટે બંધારણને તાક પર મુકીને પ્રતિનિધિઓને જેલમાં નથી નાંખી શકાતા. દેશ લોકોથી બને છે ના કે જમીન અને જમીનથી. કાર્યકારી શક્તિઓનો દુરપયોગ અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઇ શકે છે.'



ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારના જમ્મુ-કાશ્મીરને લઇને કરેલા નિર્ણયનો પુરજોશમાં વિરોધ કર્યો છે, અને રાજ્યસભામાં આ પ્રસ્તાવના વિરુદ્ધમાં મત આપ્યા હતા.



ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના આ નિર્ણયનો અર્થ છે કે અનુચ્છેદ 370ના અંતર્ગત જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા હતા, તે હવે ખતમ થઇ ગયા છે. હવે જમ્મુ-કાશ્મીર ભારતના અન્ય રાજ્યોની જેમ સામાન્ય રાજ્ય હશે. અમિત શાહની આ જાહેરાત બાદ રાજ્યમાં અનુચ્છેદ 370 પુરેપુરી રીતે લાગુ નહીં થાય.


ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લદ્દાખથી અલગ કરી દેવામાં આવ્યુ છે. લદ્દાખને વિધાનસભા વિનાનું કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. આ બિલને રાજ્યસભામાં પાસ કરી દેવાયુ છે, અને હવે લોકસભામાં પાસ કરવામાં આવશે.