નવી દિલ્હી: લાંબી બિમારી બાદ એઈમ્સમાં પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને ભાજપના સિનિયર નેતા અરૂણ જેટલીએ 12:07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે આજે બપોરે તેમનું નિધન થયું હતું. પરંતુ જોગાનુજોગ અરૂણ જેટલીનું આજે નિધન થયું છે ત્યારે વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 દિવસના વિદેશ પ્રવાસે છે. આજે તેઓ સંયુક્ત અરબ અમિરાત છે. ત્યાંથી તેઓ બહરીન જવા રવાના થશે. આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર ભારતના કોઈ વડાપ્રધાન બહરીનના પ્રવાસે જઈ રહ્યાં છે. જોકે આ દરમિયાન જ અરૂણ જેટલીનું નિધન થયું છે. આ દરમિયાન અરૂણ જેટલીના પરિવારજનોએ ભારે હિંમત દાખવી છે અને સકારાત્મક લવણ અપનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીના પત્ની અને તેમના પુત્રને UAEથી ફોન કરીને વાતચીત કરી હતી. નરેન્દ્ર મોદીએ જેટલીના પરિવારજનોને સાંત્વના વ્યક્ત કરી હતી.


જોકે આ કપરી પરિસ્થિતિમાં પણ અરૂણ જેટલીના પત્ની અને તેમના પુત્રએ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, તેઓ પોતાનો વિદેશ પ્રવાસ અધુરો છોડીને ન આવે. દુખની ઘડીમાં પણ અરૂણ જેટલીના પરિવારજનોની આ હિંમતના દેશભરમાં ભારે બિરદાવવામાં આવી રહી છે.