Special Session of Delhi Assembly: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અરવિંદ કેજરીવાલ રાજ્યના મુખ્યમંત્રી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હલચલથી તેમની બેચેની વધી ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લાલચ આપવામાં આવી રહી હોવાના આક્ષેપોને લઈને રાજકીય ખળભળાટ વચ્ચે હવે અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય કર્યો છે અને શુક્રવારે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ પહેલાં આજે બુધવારે (24 ઓગસ્ટ) AAPની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજાઈ હતી.
સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી પર આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવતા કહ્યું કે, ઓપરેશન લોટસ હેઠળ દિલ્હીમાં ચૂંટાયેલી AAP સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની (PAC) બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, ગોપાલ રાય, આતિશી, દુર્ગેશ પાઠક, પંકજ ગુપ્તા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.
AAPએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યોઃ
જણાવી દઈએ કે, ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. એક ટ્વીટમાં સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, ભાજપે AAP ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે 20 કરોડ રૂપિયાની ઓફર કરી છે. સાથે જ તેમની વિરુદ્ધ કાવતરું કરવા માટે ED અને CBIનો ઉપયોગ કરાઈ રહ્યો છે. દિલ્હીના શરાબ કૌભાંડના સંદર્ભમાં સીબીઆઈના દરોડા પછી દિલ્હીના ડેપ્યુટી સીએમએ આ ટ્વીટ કર્યું હતું.
આ પ્રસ્તાવ PACમાં પસાર થયોઃ
AAPની રાજકીય બાબતોની સમિતિ (PAC)એ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. આ બેઠકમાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. AAP સાંસદ સંજય સિંહે કહ્યું, "પીએસીની બેઠક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. PAC એ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને દિલ્હીમાં સરકારને તોડી પાડવાના પ્રયાસ પર ઠરાવ પસાર કર્યો છે." વધુમાં સંજય સિંહે કહ્યું કે, "મનીષ સિસોદિયાના ઘરેથી કોઈ દસ્તાવેજો, બિનહિસાબી નાણાં, ઘરેણાં મળ્યા નથી."
આ પણ વાંચોઃ