કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે ચાલુ વર્ષનો ભારત રત્નનો એવોર્ડ ભારતીય ડોક્ટરોને આપવો જોઈએ. આવું કહેવાનો મારો અર્થ કોઈ નિશ્ચિત વ્યક્તિ નથી. પરંતુ તમામ ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિક્સ છે જેમણે કોરોનાની બીજી લહેરમા ફરજ દરમિયાન જાન ગુમાવ્યો છે.


કેજરીવાલે પત્રમાં લખ્યું કે કોરોના સામે લડતા ઘણા ડોક્ટરો અને નર્સ શહીદ થયા છે. જો સરકાર ભારત રત્ન આપે તો તે તેમને માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. લાખો ડોક્ટરોએ પોતાના કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે. ભારત રત્ન સિવાય તેમને માટે બીજું કોઈ માન સન્માન નથી.


કેજરીવાલે પ્રધાનમંત્રીને એવી પણ વિનંતી કરી કે જો કાયદામા કોઈ ગ્રુપને ભારત રત્નનો એવોર્ડ આપવાની કોઈ જોગવાઈ ન હોય તો તેમાં સુધારો પણ કરવો જોઈએ.



દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું દેશના ડૉક્ટર, નર્સ અને પેરામેડિકલ સ્ટાફના લોકોએ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા, તેમને સન્માન તો જરુર મળવું જોઈએ.



ઈન્ડીયન મેડિકલ એસોસિએશનના જણાવ્યાનુસાર બીજી લહેરમાં કોરોના સામે ઝઝુમતા 730 ડોક્ટરોના મોત થયા છે. સૌથી વધારે બિહારમાં 115, ત્યાર બાદ દિલ્હીમાં 109, પછી યુપીમાં 79, બંગાળમાં 62, રાજસ્થાનમાં 43, ઝારખંડમાં 39, આંધ્રપ્રદેશમાં 38 ડોકટરોના મોત થયા છે. કોરોનાની પહેલી લહેરમાં 748 ડોક્ટરોના મોત થયા હતા.