નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારથી રાજીનામાની જાહેરાત કરી છે ત્યારે તમામ લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે દિલ્હીના આગામી સીએમ કોણ હશે.  તેના પર સસ્પેન્સ વધી ગયું છે. જો કે તેનું ચિત્ર મંગળવારે (17 સપ્ટેમ્બર) સ્પષ્ટ થશે. આગામી સીએમના નામને અંતિમ રૂપ આપવા માટે સોમવારે (16 સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેઓ આવતીકાલે જાહેરાત કરશે કે આગામી સીએમ કોણ હશે. ધારાસભ્ય દળની બેઠક બાદ જાહેરાત કરવામાં આવશે.






'CM કેજરીવાલે બોલાવી હતી બેઠક'


સૌરભ ભારદ્વાજે કહ્યું, "આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએસીની બેઠક બોલાવી હતી. આવતીકાલે સાંજે એલજી સાહેબને મળવાનો સમય મળ્યો. નવા મુખ્યમંત્રીના નામ પર આજે ચર્ચા થઈ હતી. ગઈકાલે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ મંગળવારે રાજીનામું આપશે." બેઠકમાં વર્તમાન કેબિનેટના મંત્રીઓ હાજર રહ્યા હતા અને નેતાઓ અને મંત્રીઓ પાસેથી ફીડબેક લેવામાં આવ્યા હતા.   આ સાથે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી.   


દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) રાજીનામાની જાહેરાત કરી બધાને ચોંકાવી દિધા હતા.   AAP કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું,  કે હું બે દિવસ પછી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે. 


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જનતાના આશીર્વાદથી અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની શક્તિ છે. અમે ભાજપ સામે ઝૂકીશું નહીં, રોકાઈશું નહીં કે વેચાઈશું નહીં. અમે આજે દિલ્હી માટે ઘણું બધું કરી શક્યા છીએ કારણ કે અમે પ્રામાણિક છીએ. આજે તેઓ આપણી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે તે પ્રામાણિક નથી. હું “પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા”ની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો.