નવી દિલ્હીઃ દિલ્હીના અનેક વિસ્તારોમાં હિંસાના કારણે 35  લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે હિંસામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકો માટે રાહતની અનેક જાહેરાત કરી છે. સાથે મુખ્યમંત્રી કેજરીવાલે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈનને લઇને જ્યારે અરવિંદ કેજરીવાલને સવાલ કર્યો તો દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, જે પણ વ્યક્તિ દોષિત ઠેરવાય છે તેમને કડક સજા મળવી જોઇએ. જો આમ આદમી પાર્ટીનો કોઇ વ્યક્તિ દોષિત ઠેરવાય છે તો તે વ્યક્તિને બેગણી સજા મળવી જોઇએ. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોઇ રાજનીતિ કરવી જોઇએ નહીં.

કેજરીવાલે કહ્યુ કે, મારા હાથમાં પોલીસ નથી. જો પોલીસ અમારા હાથમાં હોત તો અમે પણ કડક કાર્યવાહી કરતા. જે લોકોએ હિંસા ભડકાવી છે એ લોકોને છોડવા જોઇએ નહીં. દોષિત આમ આદમી પાર્ટીનો હોય કે, ભાજપનો હોય કે, કોગ્રેસનો  હોય કે પછી ભલે ને મારા મંત્રીમંડળમાંથી હોય, કોઇને  પણ છોડવા જોઇએ નહીં. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.