નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટેમાં હિંસા મામલે સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન પોલીસે જણાવ્યું હતુ કે, જે સ્પીચને લઇને ફરિયાદ છે તે બે મહિના અગાઉની છે. અરજીકર્તાએ ફક્ત ત્રણ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી શકે નહીં. અમારી પાસે અન્ય પણ ભડકાઉ ભાષણની ફરિયાદ આવી છે. કોર્ટમાં પોલીસે કહ્યું કે, અમે હિંસાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સોલિસિટર જનરલે કહ્યુ કે, યોગ્ય સમયે પોલીસ કાર્યવાહી કરશે. ભાજપના ત્રણેય નેતાઓના નફરતભર્યા ભાષણોને લઇને એફઆઇઆર દાખલ કરવા માટે કેન્દ્ર અને પોલીસની અરજી પર જવાબ દાખલ કરવાની જરૂર છે.


કેન્દ્ર અને પોલીસે ભડકાઉ ભાષણ આપનારા પર કેસ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. અત્યાર સુધી કુલ 48 કેસ નોંધાયા છે. હાલમાં એજન્સીઓનું ધ્યાન હાલાતને કાબૂ કરવા પર છે. પોલીસે કહ્યું કે, હાલમાં કેસ દાખલ કરવાનો યોગ્ય સમય નથી,યોગ્ય સમય આવવા પર કેસ દાખલ કરવામાં આવશે. દિલ્હી પોલીસે કહ્યુ કે, તેણે નિર્ણય લીધો છે કે હાલમાં ભડકાઉ ભાષણ મામલે કોઇના વિરુદ્ધ કેસ દાખલ કરીશું નહી.

દિલ્હી પોલીસના મતે તેમણે અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરી છે. અને  સીસીટીવી ફૂટેજના આધાર પર ધરપકડ ચાલી રહી છે. તેમને બહારના લોકોની તસવીરો મળી છે અને તેમની ઓળખ કરી લેવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું કે, જેમણે ભાષણ આપ્યું છે એ તમામ પર કાર્યવાહી થવી જોઇએ. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. મામલાની આગામી સુનાવણી 13 એપ્રિલના રોજ થશે.