સૂત્રોના મતે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હી સરકારે જળ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે રાઘવના નામની પસંદગી કરી ફાઇલ ઉપરાજ્યપાલને મોકલી છે. આપના છેલ્લા કાર્યકાળમાં સંગમ વિહારથી ધારાસભ્ય દિનેશ મોહનિયા દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ હતા. રાઘવે ગત વિધાનસભા ચૂંટણીમાં પોતાના હરિફ સરદાર આર.પી. સિંહને 20,058 મતથી હરાવ્યા હતા.
રાઘવ આપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલનનો ભાગ હતા. તે શરૂઆતથી આપ સાથે જોડાયેલા રહ્યા. પાર્ટીમાં તેમની સફર 2012માં શરૂ થઇ હતી. જ્યારે આપે 2015માં સરકાર બનાવી ત્યારે દિલ્હી સરકારના વાર્ષિક બજેટમાં ડ્રાફ્ટ તૈયાર કરવામાં તે સામેલ હતા. રાઘવે દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપ સાંસદ રમેશ બિધૂડી વિરુદ્ધ 2019ની લોકસભા ચૂંટણી લડી હતી જેમાં તેમની હાર થઇ હતી.