નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં ફેક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ મેસેજમાં અનેક ફેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આવું જ એક ટ્વીટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ ટ્વીટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સેનાના 80 હજાર જવાનોએ રજા માટે અરજી કરી છે. આવું 45 વર્ષમાં પ્રથમ વખત થયું છે. પરંતુ આ દાવાને ભારત સરકારની સંસ્થા પીઆઈબીએ ફગાવી દીધો છે.


સોશિયલ મીડિયામાં એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, India China FaceOffની વચ્ચે ઇન્ડિયન આર્મીના 80,000થી વધારે જવાન સિક લીવ લેવા માટે અરજી કરી છે. મેસેજમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, 45 વર્ષમાં પ્રથમ વખત આ રીતે એક સાથે જવાનોએ રજા માટે અરજી કરી છે.


પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલ મેસેજની તપાસ કરી અને જાણ્યું કે આ મેસેજ પૂરી રીતે ખોટો છે. તેમાં કોઈપણ સત્ય નથી. આ દાવો ફેક છે. પીઆઈબીની ટીમે કહ્યું, ભારત-ચીન ગતિરોધની વચ્ચે જવાનોએ રજા માટે કોઈ જ અરજી કરી નથી.