Asaram Bapu Surat Rape Case: ગાંધીનગરની એક કોર્ટે આજે આસારામ (આસારામ બાપુ)ને મહિલા શિષ્ય સાથે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે. જોધપુર જેલમાં બંધ 81 વર્ષીય આસારામ બળાત્કારના અન્ય એક કેસમાં પણ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આજે અમે તમને આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈની ક્રાઈમ કુંડળી વિષે વિગતે માહિતી આપવા જઈ રહ્યાં છીએ.
પોતાને 'ભગવાન' કહેતા આસારામને તેમના અનુયાયીઓ 'બાપુ' કહેતા હતા. એક સમય હતો જ્યારે આસારામના ભક્તોમાં મોટી હસ્તીઓનો સમાવેશ થતો હતો. ત્યારે આસારામને દુનિયાના મોટા સંત માનવામાં આવતા હતા અને કહેવાય છે કે તેમના 4 કરોડથી વધુ અનુયાયીઓ છે. મોટા મોટા રાજનેતાઓ તેમના આશ્રમમાં પૂજા કરવા આવતા હતા પરંતુ કહેવાય છે કે, દરેક પાપીના સામ્રાજ્યનો એક દિવસ અંત આવવો જ જોઈએ. આવું જ કંઈક આસારામ સાથે પણ થયું.
2008માં 2 બાળકોના અડધા બળેલા મૃતદેહ મળી આવ્યા
વર્ષ 2008માં જ આસારામના પાપોની લીલા ખુલવાની શરૂઆત થઈ હતી અને આ જ વર્ષ છે આ બળાત્કારી બાબાનું પતન શરૂ થયું હતું. 2008માં ગુજરાતના મોટેરામાં આસારામના આશ્રમની બહાર સાબરમતી નદીના પટમાં બે બાળકોના અડધા બળેલા મૃતદેહ મળી આવ્યા હતા. બંને બાળકોની ઓળખ 10 વર્ષના અભિષેક વાઘેલા અને 11 વર્ષના દિપક વાઘેલા તરીકે થઈ હતી. બંને બાળકો પિતરાઈ ભાઈ હતા. બાળકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, બંનેને ગુરુકુળમાં દાખલ કરીને બાળકોને તંત્ર-મંત્રની આહુતિ આપવામાં આવી હતી.
આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ
ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ આ મામલાની તપાસ માટે એક કમિશનની રચના કરી હતી. આ કેસમાં ઘણા લોકો હત્યાના ગુનેગાર પણ ઠર્યા હતા પરંતુ આસારામ પર કોઈ આંચ પણ નહોતી આવી. જો કે તેની મુશ્કેલીઓ ચોક્કસ વધવા લાગી હતી. ત્યાર બાદ વર્ષ 2013માં આસારામ અને તેના પરિવારના કાળા કૃત્યોનો પર્દાફાશ થયો હતો. ત્યારપછી આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો.
જોધપુર પોલીસે આસારામની ઈન્દોરથી ધરપકડ કરી હતી
પીડિતાના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી જયાં તેમને કહેવામાં આવ્યું કે તેમની પુત્રીમાં દુષ્ટ આત્માઓ છે અને માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. પછી તેઓ તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયા. તેણીએ આરોપ લગાવ્યો કે 15 ઓગસ્ટ 2013ના રોજ આસારામે તેની પુત્રીને પોતાની કુટિરમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. 20 ઓગસ્ટ 2013ના રોજ પીડિતાના માતા-પિતાએ દિલ્હીમાં ઝીરો એફઆઈઆર નોંધાવી હતી અને બાદમાં કેસ જોધપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ મામલે જોધપુર પોલીસે 31 ઓગસ્ટના રોજ ઈન્દોરથી આસારામની ધરપકડ કરી હતી. આસારામને ઈન્દોર સ્થિત તેમના આશ્રમમાંથી જોધપુર લઈ જવામાં આવ્યા હતા.
ગુજરાતમાં પિતા-પુત્ર સામે બળાત્કારનો કેસ નોંધાયો
દરમિયાન 6 ઓક્ટોબર, 2013ના રોજ સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં તેણે આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતી પર પણ આરોપ લગાવ્યા હતા. મોટી બહેને આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે 1997 થી 2006 દરમિયાન તે અમદાવાદના મોટેરા આશ્રમમાં રહેતી હતી ત્યારે આસારામ દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હતી૦. આ કેસમાં અન્ય સાત આરોપી પણ હતા.
નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી
પીડિતાની નાની બહેને આરોપ લગાવ્યો હતો કે 2002 થી 2005 વચ્ચે નારાયણ સાંઈએ તેની સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો. નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતમાં અને આસારામ વિરુદ્ધ અમદાવાદમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ગુજરાતની એક કોર્ટે પીડિતાની નાની બહેન પર બળાત્કાર કરવા બદલ નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા ફટકારી હતી.
આસારામને આજીવન કેદ
નવેમ્બર 2013માં જોધપુર પોલીસે આસારામ અને અન્ય ચાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી અને જુલાઈ 2014માં ગુજરાત પોલીસે આસારામ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. એપ્રિલ 2018માં જોધપુરની કોર્ટે રાજસ્થાન કેસમાં આસારામને કિશોરી પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
બીજી તરફ 30 જાન્યુઆરી, 2023ના રોજ ગાંધીનગર કોર્ટે આસારામને સુરતની એક વિદ્યાર્થીની પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. આસારામની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ - ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. એક આરોપીનું કેસમાં વિલંબ થતા મૃત્યુ થયું હતું. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજે મંગળવારે (31 જાન્યુઆરી) આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી.