પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં શનિવારે બમ્પર મતદાન થયું છે. આસામમાં સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું પરંતુ બંગાળમાં સાંજે સાડા છ વાગ્યા બાદ પણ મતદાન કેંદ્રો પર લોકોની લાઈનો જોવા મળી હતી. બંગાળમાં પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના મુજબ આસામમાં 72.14 ટકા મતદાન થયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 79.79 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં 30 બેઠકો પર મતદાન થયું હતું જ્યારે આસામમાં 47 વિધાનસભા બેઠકો પર મતદાન થયું. આ દરમિયાન બંગાળમાં ઘણી જગ્યાઓ પર હિંસાના સમાચાર સામે આવ્યા છે.

Continues below advertisement


પ્રથમ તબક્કામાં થઈ હિંસાની ઘટનાઓ


કાંથી લોકસભા ક્ષેત્રમાં ભાજપના નેતા શુભેંદુ અધિકારીના ભાઈ સૌમેંદુ અધિકારીની કાર પર હુમલો થયો હતો. કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી. આ હુમલા સમયે સૌમેંદુ અધિકારી કારમાં નહોતા. પરંતુ તેના કારના ડ્રાઈવરને ઈજા પહોંચી છે.



સૌમેંદુએ ટીએમસી પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા સૌમેંદુ અધિકારીએ કહ્યું ટીએમસી બ્લોક અધ્યક્ષ રામ ગોવિંદ દાસ અને તેમની પત્નીની આગેવાનીમાં ત્રણ મતદાન કેંદ્રો પર ગડબડી થઈ રહી છે. હું ત્યા પહોંચતા તેમના કામમાં બાધા આવી. એટલે તેમણે મારી કાર પર હુમલો કર્યો અને મારા ડ્રાઈવરને માર માર્યો.


બંગાળમાં 8 તબક્કામાં મતદાન
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 30 બેઠકો આદિવાસી વિસ્તાર પુરુલિયા, બાંકુરા, ઝાડગ્રામ, પૂર્વી મેદિનીપુર(ભાગ-1) અને પૂર્વી મેદિનીપુર(ભાગ-2) જિલ્લામાં આવેલી છે, ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની કુલ 42 લોકસભા બેઠકોમાંથી 18 પર શાનદાર જીત મેળવી હતી, જે સત્તાધારી ટીએમસી કરતા માત્ર 4 બેઠકો ઓછી હતી. 


પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા દરમિયાન રાજ્યના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર 27 માર્ચે મતદાન થયું હતું. બીજા તબક્કા માટે ચાર જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર એક એપ્રિલે, ત્રીજા તબક્કામાં 31 વિધાનસભા બેઠકો પર છ એપ્રિલે, ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 બેઠકો પર 10 એપ્રિલે, પાંચમાં તબક્કામાં 6 જિલ્લાની 45 બેઠકો પર 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કામાં ચાર જિલ્લાની 43 બેઠકો પર 22 એપ્રિલે, સાતમાં તબક્કામાં પાંચ જિલ્લાની 36 બેઠકો પર અને આઠમાં તબક્કામાં ચાર જિલ્લાની 35 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે.