નવી દિલ્હી: મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ આસામ સરકારે પણ ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના આઠ લાખ ખેડૂતોના 600 કરોડ રૂપિયાનું દેવુ માફ કરશે. આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ખુરશી સંભાળતાની સાથેજ ખેડૂતોનું દેવું માફ કરવાનું એલાન કર્યું હતું. આ બન્ને રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર છે. જ્યારે આસમા ભાજપની સરકાર છે અને સર્વાનંદ સોનોવાલ અહીં મુખ્યમંત્રી છે.
આસામ સરકારના પ્રવક્તા અને સંસદીય મામલાના મંત્રી ચંદ મોહન પટવારીએ કહ્યું કે આ યોજના હેઠળ સરકાર ખેડૂતોની લોનના 25 ટકા માફ કરશે. જેની મહત્તમ સીમા 25 હજાર રૂપિયા છે. આ માફીમાં તમામ પ્રકારના કૃષિ કરજ સામેલ છે.
આ તમામ કરજ પર લાગુ થશે જે ખેડૂતોના ક્રેડિટ કાર્ટ દ્વારા તથા સાર્વજનિક ક્ષેત્રની બેન્કો માટે છે. તેમણે કહ્યું કે સરકારે વ્યાજ રાહત યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. તેના અંતર્ગત લગભગ 19 લાખ ખેડૂતો આગામી નાણાકીય વર્ષથી શૂન્ય વ્યાજ દર પર લોન લઇ શકશે. સોમવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મંત્રીમંડળે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લેવા પ્રોત્સાહિત કરવા માટે તેના પર 10 હજાર રૂપિયા સુધી સબ્સિડી આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.