આસામમાં સત્તાધારી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મોટી જીત મેળવી છે. આસામ રાજ્ય ચૂંટણી પંચ (ASEC)ના જણાવ્યા અનુસાર, ભાજપે આસામમાં સ્થાનિક સ્વરાજની કુલ 80 સિવિક બોડીમાંથી 77 પર જીત મેળવી છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે અને તે અત્યાર સુધી એક નગરપાલિકા જીતી શકી છે. હજુ એક પાલિકાની ચૂંટણીનું પરિણામ આવવાનું બાકી છે.
રસપ્રદ વાત એ છે કે, મારિયાણી મ્યુનિસિપલ બોર્ડની કુલ 10 બેઠકોમાંથી, અપક્ષ ઉમેદવારોએ સાત બેઠકો જીતી હતી, જ્યારે બાકીની ત્રણ બેઠકો ભાજપે જીતી હતી. ASECએ કહ્યું કે પાંચ મ્યુનિસિપલ બોર્ડમાં કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી. ASECએ કહ્યું કે ભાજપે 672 વોર્ડ જીત્યા છે, જ્યારે કોંગ્રેસે 71 વોર્ડમાં જીત મેળવી છે. અન્ય 149 વોર્ડમાં જીત્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 57 વોર્ડમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ કે, વિશાળ જનાદેશ વૃદ્ધિ અને વિકાસ માટે છે અને તે પાર્ટીને નવી જોશ સાથે પ્રગતિના એજન્ડાને આગળ ધપાવવા માટે પ્રેરિત કરશે. એક પછી એક ટ્વીટમાં તેમણે કહ્યું, "હું આસામના ભાજપના કાર્યકરો અને નેતાઓને અભિનંદન આપું છું, જેમણે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિચારોનો અથાક પ્રચાર કર્યો છે.
તેમણે કહ્યું કે, "હું ભાજપની આસામ એકમ અને તેના સાથી પક્ષોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર જીત અપાવવા બદલ રાજ્યના લોકોનો આભાર માનું છું. કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભૂપેન કુમાર બોરાએ કહ્યું કે રાજકારણમાં ઉતાર-ચઢાવ એ નિરંતર પ્રક્રિયા છે અને દરેક પક્ષે સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. આપણે સારા સમય માટે સખત મહેનત કરવી પડશે હું ચૂંટણીના પરિણામોની જવાબદારી સ્વીકારું છું.