ગુવાહાટી: આસામમાન નેશનલ સિટીઝન રજિસ્ટર (એનઆરસી)નું અંતિમ લિસ્ટ જાહેર થઈ ગયું છે. જેમાં 19 લાખ 657 લોકોનું નામ નથી. આ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર 4 લોકો સામેલ કરવામાં આવ્યા હતા.


સરકારે કહ્યું કે જે કોઈનું નામ એનઆરસી લિસ્ટમાં નથી, તેનો મતલબ એ નથી કે તે વિદેશી બની ગયા કારણ કે ઉચિત કાનૂની પ્રક્રિયા બાદ ફોરેઇન ટ્રિબ્યૂનલ (એફટી) આ મામલે નિર્ણય લઈ શકે છે. જેનું નામ ન હોય તેમણે ફૉરેન ટ્રિબ્યૂનલમાં દસ્તાવેજો સાથે 120 દિવસમાં રજૂઆત કરવાની રહેશે.

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે લોકોને કહ્યું કે ઘબરાવાની જરૂર નથી. રાજ્ય સરકાર પોતાની નાગરિકતા સાબિત કરવા માટે એ તમામ લોકોની મદદ કરશે જે વાસ્તવમાં ભારતીય છે. મુખ્યમંત્રીએ આ લોકોને કાયદાકીય સહાય પણ આપવાનું આશ્વાસન આપ્યું છે.


ફાઈનલ ડ્રાફ્ટ આવ્યા બાદ સ્થિતિ બગડે તેવી આશંકાના ધ્યાનમાં લેતા રાજ્યભરમાં સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ ધારા 144 પણ લગાવવામાં આવી છે.

NRC શું છે ?

નેશનલ સિટીઝન રજિસ્ટર આસામમાં રહેતા ભારતીય નાગરિકોની એક યાદી છે. તેને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા કથિત બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આસામમાં છ વર્ષ સુધી ચાલેલા લાંબા જનઆંદોલનના પરિણામ તરીકે પણ જોઈ શકાય છે. આસામમાં સૌપ્રથમ વાર 1951માં એનઆરસી બનાવવામાં આવ્યું હતું.