નવી દિલ્હીઃ નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનનો ફાઇનલ ડ્રાફ્ટ આસામમાં જાહેર કરી દેવામાં આવ્યો છે. આ લિસ્ટમાં 2.98 કરોડ લોકોને કાયદેસરના ભારતીય નાગરિક માનવામાં આવ્યો છે. જ્યારે લગભગ 40 લાખ લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે જે લોકોના નામ બહાર રાખવામાં આવ્યા છે તેમનું શું થશે. સરકારના મતે તે લોકોને ગભરાવાની જરૂર નથી તેમને ક્લેમ કરવા અને વિરોધ નોંધાવવાની તક મળશે.


રજિસ્ટર જનરલે ડ્રાફ્ટ જાહેર કરતા કહ્યું કે, હું વારંવાર સ્પષ્ટ કરવા માંગું છું કે આ લિસ્ટ ફાઇનલ નથી અને ક્લેમ અને વિરોધ દાખલ કરી શકો છો. 3,29,91,380 લોકોએ નાગરિકતા માટે અરજી કરી હતી જેમાં 2,89,38, 677 લોકોને નાગરિકતા માટે યોગ્ય માન્યા છે. જેમના નામ આ લિસ્ટમાં નથી તેમને ગભરાવાની જરૂર નથી. ભારતના કોઇ કાયદેસર નાગરિક સાથે કોઇ અન્યાય નહી થાય. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા બનાવી રાખવાની પુરી તૈયારી છે અને સામાન્ય નાગરિકોએ કોઇ પણ પ્રકારની અફવાથી ડરવાની જરૂર નથી.

એનઆરસી કોઓર્ડિનેટરે કહ્યું કે, કેન્દ્રિય ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ ડ્રાફ્ટમાં લિસ્ટના આધાર પર કોઇ માઇગ્રેન્ટ અથવા જેમના નામ નથી તેઓને ડિન્ટેશન સેન્ટર મોકલવામાં આવશે નહીં. હજુ તેમની પાસે ફરીથી અરજીની તક છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન બાદ કેટલા લોકોના બેઘર થવાની સંભાવના છે તેના પર રજિસ્ટ્રાર જનરલે કહ્યું કે, અમારી પાસે 2011ની વસ્તીગણતરીના આંકડાઓ છે. હજુ ડ્રાફ્ટની પ્રથમ લિસ્ટ જાહેર કરાઇ છે અને આ અંતિમ નથી. આના આધાર પર અમે કોઇ પણ આંકડાઓ સતાવાર રીતે જાહેર કરી શકીએ નહીં.