આવતીકાલે હરિયાણા-મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી, જાણો વિગત
abpasmita.in | 23 Oct 2019 07:53 PM (IST)
બંન્ને રાજ્યોમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની આવતીકાલે મતગણતરી થશે. બંન્ને રાજ્યોમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં સાંજે છ વાગ્યા સુધી 60.05 ટકા મતદાન થયુ હતુ જે વર્ષ 2014માં 63.08 ટકા હતું. જ્યારે હરિયાણામાં 65 ટકા મતદાન થયું હતું જે ગત ચૂંટણીમાં 76.54 ટકા હતું. એક્ઝિટ પોલના પરિણામ ભારતીય જનતા પાર્ટીની સરળ જીત બતાવી રહ્યા છે. તમામ એક્ઝિટ પોલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 211 બેઠકો ભાજપ-શિવસેના ગઠબંધનના ખાતામાં જઇ શકે છે જ્યારે કોગ્રેસ-એનસીપીને ફક્ત 64 બેઠકો મળી શકે છે. હરિયાણાની વાત કરીએ તો અહીં ભાજપ 90માંથી 66 બેઠકો પર જીત હાંસલ કરી શકે છે જ્યારે કોગ્રેસ 14 બેઠકો જીતી શકે છે. બંન્ને રાજ્યોમાં સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.