નવી દિલ્હી: લાંબા સમયથી ખોટના ખાડામાં ચાલી રહેલી BSNL અને MTNL કંપનીઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આ બન્ને કંપનીઓને વિલય કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવ્યા હતા કે આ બન્ને સરકારી ટેલિકૉમ કંપનીઓને સરકાર બંધ કરવાની યોજના બનાવી રહી છે. જો કે બાદમાં સરકારે આ ખબરોને નકારી દીધી હતી.

ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે બીએસએનએલ સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. અમે BSNL અને MTNL ને મર્જ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર બીએસએનએલ માટે એક આકર્ષક VRS પેકેજ લાવવામાં આવશે. આ સાથે 4 જી સ્પેક્ટ્રમ માટે અંદાજે 4000 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 4 વર્ષમાં 38000 કરોડ રૂપિયાનું મોનિટાઇઝેશન કરવામાં આવશે. આ સાથે જ 15 હજાર કરોડના બોન્ડ પણ જાહેર કરવામાં આવશે. ખોટ બનાવતી બીએસએનએલે 2015 માં 4G સ્પેક્ટ્રમની ફાળવણી અંગે સરકારને અરજી કરી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પેકેજ માટે મંજૂરી માંગી હતી જે 2009 થી બાકી છે.

નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2017-18માં બીએસએનએલનું નુકસાન 7,992 કરોડ રૂપિયા હતું. આ અગાઉ 2016-17માં કંપનીને 4,786 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ મુજબ, ફક્ત 1 વર્ષમાં 3,206 કરોડનું નુકસાન થયું છે.

BSNL અને MTNLની દુર્દશાના કારણે કર્મચારીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને પગાર મળવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. ખરેખર, બીએસએનએલને માસિક પગાર રૂ. 850 કરોડ ચૂકવવાના છે. હાલમાં બીએસએનએલના લગભગ 1.80 લાખ કર્મચારી છે.