શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય ઉથલ-પાથલ પર કેન્દ્ર સરકાર તરફથી નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે, રાજ્યપાલ સત્યપાલ મલિક દ્ધારા વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય પીડીપી-એનસી અને કોગ્રેસના સરકાર બનાવવાના પ્રયાસના દબાણમાં લેવામાં આવ્યો નથી. સૂત્રોના મતે ગૃહમંત્રા રાજનાથ સિંહે બુધવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે કેન્દ્ર સરકારનું માનવુ છે કે રાજ્યમાં આગામી ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ થઇ શકે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, વિધાનસભા અગાઉ પણ ભંગ થઇ શકતી હતી પરંતુ સુરક્ષાના કારણો અને સ્થાનિક ચૂંટણીના કારણે થઇ શકી નહોતી. હવે સંપૂર્ણ ધ્યાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બાકી રહેલા તબક્કા પર રહેશે.  ગૃહ મંત્રાલયના સૂત્રોના મતે રાજ્યપાલે જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે જ લઇ લીધો હતો પરંતુ મંગળવારે પ્રક્રિયા પુરી થયા બાદ બુધવારે તેની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર બનાવવા માટે અનેક પાર્ટીઓ તરફથી ધારાસભ્યોની ખરીદીના પ્રયાસ થઇ રહ્યા હતા જેને કારણે રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી દીધી હતી.