નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી ED બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે. મહારાષ્ટ્રમાં પણ આવકવેરા વિભાગના દરોડામાં જંગી રોકડ મળી આવી છે. મહારાષ્ટ્રના જાલનામાં આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડ વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં વિભાગને મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળી આવી છે. આવકવેરા વિભાગે લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે, જેમાં 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું, હીરા અને મોતી અને ઘણી સંપત્તિના કાગળો મળી આવ્યા છે.






દરોડામાં મળી આવેલી રોકડની ગણતરી કરવામાં વિભાગને 13 કલાક લાગ્યા હતા. ઈન્કમટેક્સે 1 થી 8 ઓગસ્ટ વચ્ચે આ કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગની નાસિક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 260 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આઈટી કર્મચારીઓને પાંચ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા અને દરોડામાં 120 થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


સવારે 11 થી 1 વાગ્યા સુધી રોકડની ગણતરી કરવામાં આવી


કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળેલી રોકડ જાલનાની સ્થાનિક સ્ટેટ બેંક શાખામાં લઈ જવામાં આવી હતી અને તેની ગણતરી કરવામાં આવી હતી. રોકડની ગણતરી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે લગભગ 1 વાગ્યે સમાપ્ત થઈ હતી. આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે જાલનાની ચાર સ્ટીલ કંપનીઓના વ્યવહારમાં અનિયમિતતા છે, જેના પછી આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું. આઈટીની ટીમે ઘર અને કારખાનાઓમાં દરોડા પાડ્યા હતા. જોકે ટીમને ઘરમાં કંઈ મળ્યું ન હતું, પરંતુ શહેરની બહાર ફાર્મહાઉસમાં રોકડ અને સોનું અને હીરા સહિતના ઘણા કાગળો મળી આવ્યા હતા.


અગાઉ, કેન્દ્રીય એજન્સી EDની કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ સિવાય ED દ્વારા ઘણી મિલકતો પણ અટેચ કરવામાં આવી હતી. યુપીના કાનપુરમાં એક બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે દરોડા પાડીને 197 કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.