ગઢચિરોલીઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર પોલીસે એન્ટી નક્સલ ઓપરેશન દરમિયાન 14 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. પોલસની આ કાર્યવાહીમાં નક્સલ નેતા સાઇનાથ અને સિનુંને પણ ઠાર મરાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગઢચિરોલી જિલ્લાના ઇટાપલ્લી બોરિયા વન વિસ્તારમાં મહારાષ્ટ્ર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ વિસ્તારમાં સુરક્ષા જવાનો જ નહી પરંતુ સ્થાનિક નાગરિકો પણ નક્સલવાદીઓના નિશાના પર રહે છે.
મહારાષ્ટ્ર પોલીસને ગઢચિરોલીના કસનપુર વિસ્તારમાં નક્સલી કમાન્ડરોના મૂવમેન્ટની જાણકારી મળી હતી. જેના આધારે કસનપુર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન નક્સલીઓએ સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. જેના જવાબમાં પોલીસે 14 નક્સલીઓને ઠાર માર્યા હતા.
છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર પોલીસ રાજ્યમાંથી નક્સલવાદીઓને ખત્મ કરવા માટે અભિયાન ચલાવી રહી છે. આ વિસ્તારોમાં ગ્રામીણો અને નક્સલીઓ વચ્ચે અનેકવાર સંઘર્ષના અહેવાલ આવતા રહે છે. જેથી નક્સલવાદીઓને ખત્મ કરવા માટે પોલીસ બે દિવસથી અભિયાન ચલાવી રહી છે.