માફિયા અતીક અને તેના ભાઈ અશરફ અહમદની હત્યા બાદ ઉત્તરપ્રદેશમાં પોલીસ અને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. અતીકે પહેલા જ હત્યાને લઈને યુપી પોલીસની ઈરાદા પર સવાલો ઉઠાવ્યા હતા. અતીકની પત્ની શાઈસ્તાએ પણ સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે તેને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.






સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીના 18 દિવસ બાદ અલ્હાબાદ હાઈકોર્ટથી 3 કિલોમીટરના અંતરે અતીક અને તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફને ગોળી મારી હતી. યુપી પોલીસ બંને ભાઈઓને એક જ હાથકડીમાં બાંધીને મેડિકલ ચેકઅપ માટે લઈ જઇ રહી હતી.






અતીક-અશરફની હત્યા ક્યાં અને ક્યારે કરવામાં આવી?


અતીક અને અશરફની પૂછપરછ કર્યા બાદ યુપી પોલીસ બંનેને મેડિકલ ચેકઅપ માટે કોન્વિન હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલથી અલ્હાબાદ હાઈકોર્ટનું અંતર લગભગ 3 કિમી છે, જ્યારે પ્રયાગરાજ એસએસપીનું આવાસ સ્થળથી માત્ર 6 કિમી દૂર છે.


 હોસ્પિટલની બહાર પત્રકારો અતીકને પ્રશ્નો પૂછી રહ્યા હતા જો અતીક જવાબ આપી રહ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસે હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં 9 રાઉન્ડ ફાયરિંગ થઈ ચૂક્યું હતું. અતીક અને અશરફની હત્યા બાદ પ્રયાગરાજમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. સપા, બસપા અને કોંગ્રેસના કાર્યાલયની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.


પોલીસની બેદરકારી પર સવાલ કેમ ઉઠી રહ્યા છે?


અતીક અહમદ વિરુદ્ધ 100 થી વધુ અને અશરફ વિરુદ્ધ 52 ફોજદારી કેસ છે. આવી સ્થિતિમાં પોલીસે બંનેને એક જ હાથકડીમાં બાંધીને રાખ્યા હતા. હત્યાના વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે અતીકને પહેલા ગોળી મારવામાં આવે છે ત્યારબાદ અશરફ પણ જમીન પર ઢળી પડે છે.


અતીક વારંવાર તેની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યો હતો. આમ છતાં સાવચેતી રાખવામાં આવી ન હતી. અતિક પોલીસકર્મીઓ વચ્ચે રોકાઈને મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. સામાન્ય રીતે અન્ડરટ્રાયલ કેદીઓને પોલીસ મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપતી નથી. ઝડપી કાર્યવાહી કરતા યુપી સરકારે 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.


સુપ્રીમ કોર્ટે કહ્યું- સુરક્ષા માટે હાઈકોર્ટ જાવ


28 માર્ચે સુપ્રીમ કોર્ટમાં અતીક અહેમદની સુરક્ષાને લઈને સુનાવણી થઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અલ્હાબાદ હાઈકોર્ટનો મામલો છે, તેથી ત્યાં જાવ. દરમિયાન અતીકની પત્ની સામે વોરંટ જાહેર થતાં તે ભાગી ગઇ હતી. અતીકની પત્ની ફરાર હોવાને કારણે આ મુદ્દો હાઈકોર્ટમાં જઈ શક્યો ન હતો. અતીક ઉમેશ પાલ અપહરણ કેસમાં દોષિત ઠર્યો હતો. તેમના પર 60 કેસમાં સુનાવણી ચાલી રહી હતી. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણીના કેસ હતા.


અતીકની હત્યા બાદ યુપી પોલીસે શું કાર્યવાહી કરી?



  1. યુપી સરકારે ગૃહ સચિવ અને ડીજીપીને તાત્કાલિક પ્રયાગરાજ જવા માટે કહ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

  2. પ્રયાગરાજની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કલમ 144 લાગુ કરતા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  3. યુપી પોલીસે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને તાત્કાલિક વિસ્તારમાં જવા માટે કહ્યું છે. યુપીમાં પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે, જેઓ રજા પર છે તેમને પાછા બોલાવવામાં આવ્યા છે.