Supreme Court Hearing Atiq and Ashraf Ahmed : સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી અતીક અહેમદ અને અશરફની હત્યાની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે હત્યા પહેલા થયેલા અસદ એન્કાઉન્ટર પર સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને વેધક સવાલ કરી પૂછ્યું છે કે, વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ પોલીસની કામગીરી અંગે જસ્ટિસ બીએસ ચૌહાણના રિપોર્ટ પર શું કાર્યવાહી કરવામાં આવી છે? 


સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમે કહ્યું હતું કે, અમે આ ઘટના ટીવી પર જોઈ છે. બંનેને એમ્બ્યુલન્સમાંથી સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવાયા? તેમની બંનેની પરેડ શા માટે કરવામાં આવી હતી? સુપ્રીમ કોર્ટે ત્રણ સપ્તાહમાં આ મામલે સુનાવણી કરવાનું કહ્યું છે. જસ્ટિસ એસ.રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે.


ઉત્તર પ્રદેશ સરકાર વતી મુકુલ રોહતગી રહ્યા હાજર 


ઉત્તર પ્રદેશ સરકાર વતી મુકુલ રોહતગીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રોહતગીએ કહ્યું હતું કે, અમે તપાસ માટે બે પૂર્વ મુખ્ય ન્યાયાધીશોનું કમિશન બનાવ્યું છે. યુપી સરકારે આ મામલે ઝડપથી કામ કર્યું છે.


PIL પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી


પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ઉત્તર પ્રદેશમાં 2017 થી અત્યાર સુધીના 183 એન્કાઉન્ટરોની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા કરાવવાની માંગ કરી છે.


જાહેર છે કે, માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદની 16 એપ્રિલે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે બની હતી. બંનેને 10 થી વધુ વખત ગોળી વાગી હતી. આ કેસમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 14 એપ્રિલે યુપી એસટીએફની ટીમે અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં માર્યો હતો. ઝાંસીમાં અસદ સાથે એન્કાઉન્ટરમાં શૂટર ગુલામ પણ માર્યો ગયો હતો. જ્યારે અતીકને આ વાતની ખબર કોર્ટમાં હાજર થઈ ત્યારે તે રડવા લાગ્યો હતો.