આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપતા રક્ષા મંત્રાલયે લગભગ 27 હજાર કરોડ રૂપિયાના હથિયારો, દરિયાઈ જહાજો, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સાધનોની ખરીદી માટે કરાર કર્યા છે. તમામ ડીલ ભારતીય કંપનીઓ સાથે કરવામાં આવી છે.






નેવી માટે 11 નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ્સ અને છ મિસાઈલ કોર્વેટ્સની ખરીદી માટે રૂ. 19,600 કરોડનો સૌથી મોટો સંરક્ષણ સોદો કરવામાં આવ્યો છે. સેનાએ  ભારત ડાયનેમિક્સ લિ. (BDL) સાથે 6,000 કરોડની કિંમતની આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે રેજિમેન્ટની ખરીદી માટે કરાર કર્યો છે. ઉપરાંત, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. (BEL) સાથે 13 Linux-U2 ફાયર કંટ્રોલ સિસ્ટમ માટે રૂ. 1,700 કરોડનો સોદો કર્યો છે.






આકાશ ચીન સરહદ પર ક્ષમતા વધારશે


આકાશ મિસાઈલ સિસ્ટમ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખાના ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. તેનાથી સેનાની સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે. હાલની આકાશ મિસાઈલની સરખામણીમાં આ અદ્યતન મિસાઈલ સિસ્ટમ સ્વદેશી એક્ટિવ રેડિયો ફ્રીક્વન્સી (RF) સીકરનો ઉપયોગ કરે છે, જે તેને વધુ સચોટ બનાવે છે.


પેટ્રોલિંગ જહાજો માટે 9,781 કરોડમાં  કરાર


ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) અને ગાર્ડન રીચ શિપબિલ્ડીંગ એન્ડ એન્જિનિયર્સ (GRSC), કોલકાતાને 11 પેટ્રોલ જહાજોના બાંધકામ માટે 9,781 કરોડ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 7 જીએસએલ જ્યારે 4 જીઆરએસી બનાવશે. આ સંપૂર્ણપણે સ્વદેશી જહાજો હશે.


NGMV માર્ચ 2027માં સપ્લાય કરવામાં આવશે


સંરક્ષણ મંત્રાલયે કોચીન શિપયાર્ડ લિમિટેડ સાથે છ નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસેલ્સ (NGMVs)ની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ રૂ. 9,805 કરોડની છે. આ જહાજોની ડિલિવરી માર્ચ 2027થી શરૂ થશે. NGMV એ સ્ટીલ્થ, હાઇ સ્પીડ અને અદ્યતન ફાયરપાવર સાથે સંપૂર્ણ સશસ્ત્ર જહાજ હશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રમાં દુશ્મન જહાજો સામે હુમલો કરવાની ક્ષમતા પ્રદાન કરવાનો રહેશે. આ સિવાય સંરક્ષણ મંત્રાલયે 12 વેપન લોકેટિંગ રડાર (WLR) સ્વાતિની ખરીદી માટે પણ કરાર કર્યા છે. સ્વાતિની ખરીદીની ડીલ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે રૂ. 990 કરોડમાં કરવામાં આવી છે.