માયાવતીએ કહ્યું કે, આજે દેશમાં આર્થિક પડકારો છે. દેશની અર્થવ્યવસ્થા મંદીનો શિકાર છે. કેન્દ્રની સરકારને કારણે આવું થઇ રહ્યું છે. આ અગાઉ કોગ્રેસે પણ કાંઇક આવી જ સ્થિતિઓ પેદા કરી હતી. ત્યારે લોકોએ કોગ્રેસને બહારનો રસ્તો દેખાડ્યો હતો. કોગ્રેસની જેમ ભાજપ પણ પોતાના સ્વાર્થના કારણે સત્તાનો દુરુપયોગ કરી રહી છે. જેનું પરિણામ દેશમાં હિંસા, ગરીબી, બેરોજગારીનો માહોલ છે.
ઉત્તર પ્રદેશમાં લાગુ નવી પોલીસ સિસ્ટમ પર માયાવતીએ કહ્યું કે, અમે તેના વિરોધમાં નથી. એક નહી પરંતુ હજારો સુધારો કરી લો પરંતુ જ્યાં સુધી ઇમાનદાર પ્રયાસો નહી થાય ત્યાં સુધી કાંઇ નહી થાય. ઉત્તર પ્રદેશમાં જંગલરાજ છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વધી રહ્યા છે. મે મારી સરકારમાં અમારા ધારાસભ્ય અને સાંસદોને પણ છોડ્યા નથી.
સીએએ અને એનઆરસી પર માયાવતીએ કહ્યું કે, પાકિસ્તાનમાં મુસ્લિમો ઉત્પીડનનો શિકાર થઇ શકે છે. તેમના પર પણ નાગરિકતા કાયદો લાગુ થવો જોઇએ. કેન્દ્ર સરકારે તે કાયદો પાછો લેવો જોઇએ. ભાજપે જનહિતના મુદ્દાઓ પર કામ કરવું જોઇએ.