શ્રીનગર: રવિવારે રાત્રે સાડા દસ વાગે બારામુલા સ્થિત 46 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બીએસએફના કેમ્પો પર લગભગ 6 આતંકવાદીઓએ ફિદાયિન હુમલો કર્યો હતો. અથડામણમાં એક પણ આતંકી માર્યા ગયા હોવાના અહેવાલ હજી સુધી આવ્યા નથી. હુમલામાં બીએસએફનો એક સંત્રી શહીદ થઈ ગયો હતો. લશ્કર અને બીએસએફના પાંચ જવાનો પણ ઘાયલ થયા છે. જો કે સુરક્ષાકર્મીઓની ચોક્કસાઈને કારણે આતંકવાદીઓ કેમ્પમાં નહોતા ઘૂસી શક્યા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇકના ત્રણ દિવસ બાદ આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે.
ઉરી હુમલાના માત્ર 14 દિવસની અંદર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કર ઉપર આ બીજો મોટો હુમલો છે. રાત્રે સાડા 12 વાગ્યે સ્થિતિ કાબૂમાં હોવાની લશ્કરે જાહેરાત કરી હતી. વધુ હુમલાની આશંકાએ સમગ્ર રાજ્યમાં લશ્કર અને અર્ધસૈનિક દળોને એલર્ટ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાઈફલ્સ આતંકવાદીઓ સામેના અભિયાનનું સંચાલન કરે છે. દરમિયાન બીએસએફના મહાનિર્દેશકે ગૃહપ્રધાન રાજનાથ સિંહને આખીયે ઘટનાની માહિતી આપી છે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે પણ મોડી રાતે ગૃહપ્રધાન સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ સોમવારે કાશ્મીરની બે દિવસની મુલાકાતે જવાના છે.
આતંકીના બે જૂથે 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર રાત્રે સાડા દસ વાગે હુમલો કર્યો હતો. એક જૂથે પાર્કના રસ્તે કેમ્પમાં જ્યારે બીજા જૂથે ઝેલમ નદી તરફથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. ગ્રેનેડ ફેંક્યા. સૈન્યએ આતંકીઓને કેમ્પમાં ઘૂસતા અટકાવ્યા હતા. સૈન્યએ સામનો કરતાં આતંકી અંધારાનો લાભ ઉઠાવીને અહીં-તહીં છુપાઈને બે મોરચામાં ફાયરિંગ કરવા લાગ્યા. સૈન્ય અને બીએસએફે સાથે મળીને કાર્યવાહી કરી. રાત્રે લગભગ પોણા 12 વાગ્યે ફાયરિંગ બંધ થઈ ગયું. બચેલા આતંકવાદીઓને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધું હતું.