નવી દિલ્હી: ટોક્યો ઓલમ્પિક 2020નું સમાપન થયું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં દેશને  ગોલ્ડ મેડલ  અપાવનારા નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો હતો. ભાલા ફેંકમાં   દેશને એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ અપાવ્યો છે. આ સાથે જ તે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ ચોપરાની આ  સિદ્વિ પર હાલમાં તો ચોતરફથી પુરસ્કારની વર્ષા થઇ રહી છે. આવી સ્થિતિમાં હવે એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ પણ તેના માટે પુરસ્કારની જાહેરાત કરી છે. નીરજ ચોપરાની આ સફળતાને વધુ યાદગાર બનાવવા માટે AFI (Athletics Federation of India)એ સૌથી મોટો નિર્ણય લીધો છે.


નીરજ ચોપરાએ 7 ઓગસ્ટે ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે હવે AFIએ નક્કી કર્યું છે કે, આ દિવસે દર વર્ષે રાજ્ય કક્ષાની જેવેલિન થ્રો ટૂર્નામેન્ટનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવશે. ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના સન્માનમાં 7 ઓગસ્ટને જેવેલિન થ્રો દિવસ તરીકે ઉજવવામાં આવશે
. નીરજ ચોપરાના સન્માનમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન AFIએ આ પહેલની જાહેરાત કરી હતી. AFIના અધિકારીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે દર વર્ષે 7 ઑગસ્ટ, જેવેલિન થ્રોની ટૂર્નામેન્ટનું રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવશે. ધીરે ધીરે અમે તેને જીલ્લા કક્ષા સુધી લઇ જઇશું અને આગળ વધારીશું. આ પહેલ પર નીરજ ચોપરાએ ખુશી વ્યક્ત કરીને ફેડરેશનનો આભાર માન્ય હતો.


નીરજે કહ્યું કે, હું તે સાંભળીને ખૂબ જ ખુશ છું. હું ફેડરેશનને આભારી છું. તેમણે જણાવ્યું કે, બાળકો પણ મને જોઇને વધુ પ્રેરિત થશે. જુનિયર રમતવીરો પણ ભાલા ફેંકમાં આગળ આવીને દેશનું નામ રોશન કરશે. મહત્વનું છે કે, ગત રોજ ટોક્યો ઓલમ્પિકના ચેમ્પિયનોનું રમત-ગમત મંત્રીની ઉપસ્થિતિમાં અશોકા હોટલ ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


દિલ્હીમાં સોમવારે ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા, બ્રોન્ઝ વિજેતા પહેલવાન બજરંગ પૂનિયા, બ્રોન્ઝ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમ, બ્રોન્ઝ વિજેતા લવલીના બોરગોહેન અને સિલ્વર મડલ વિજેતા રવિ દહિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેંદ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેંદ્રીય મંત્રી કિરેન રિજિજૂ અને કેંદ્રીય રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિક સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. ભારતીય હોકી ટીમના ચીફ કોચ ગ્રાહમ રીડ અને ઈન્ડિયન વુમન બોક્સિંગ ટીમના હેડ કોટ રાફેલ બર્ગમાસ્કોનું પણ અભિનંદન કરવામાં આવ્યું હતું.


 


આ ગોલ્ડ મેડલ સમગ્ર દેશનો-નીરજ ચોપરા


 


ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ કહ્યું, “બધાનો આભાર! આ ગોલ્ડ મેડલ મારો નહી સમગ્ર દેશનો છે. મને લાગે છે કે તમે તમારુ 100 ટકા આપો અને કોઈથી ડરો નહી.”


 


નીરજ ચોપરાએ કહ્યું- આ મારો નહીં પણ સમગ્ર દેશનો મેડલ છે. જે દિવસથી મેડલ આવ્યો છે ત્યારથી હું ખાઈ શકતો નથી કે ઊંઘી શકતો નથી. ત્યારથી હું મારા ખીસ્સામાં મેડલ લઈને ફરી રહ્યો છું. સમર્થન આપવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ગોલ્ડ મેડલ જીતવો તે મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.