ભારત 26 જાન્યુઆરી 2022 ના રોજ તેનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. દેશમાં દર વર્ષે આ દિવસે રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ યોજાય છે. પરંતુ આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ અલગ જ બનવાની છે. આ વખતે એવા લોકો પણ ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રિત હશે જેમને સામાન્ય રીતે તક મળતી નથી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ઓટો રિક્ષા ચાલકો, સફાઈ કામદારો, આરોગ્ય કર્મચારીઓ, મજૂરો વગેરેને પરેડમાં આમંત્રણ આપવામાં આવશે.


છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાવાયરસના ઓમિક્રોન પ્રકારનો ઝડપી ફેલાવો થયો છે. જેના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મધ્ય એશિયાના નેતાઓની સહભાગિતા રદ કરવામાં આવી છે. રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 ટકા ઘટીને 5,000-8,000 આસપાસ આવશે. ગયા વર્ષની પરેડમાં લગભગ 25,000 લોકોને આવવાની મંજૂરી આપવામાં આવી હતી.


તમને જણાવી દઈએ કે ગત વર્ષે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને ગણતંત્ર દિવસ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના કારણે જોન્સનને પરેડના થોડા સમય પહેલા જ પોતાની મુલાકાત રદ કરવી પડી હતી. જે બાદ ગયા વર્ષે પણ ભારતે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.


દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીની સુરક્ષાને લઈને આદેશ જારી કરીને ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયંત્રણો 20 જાન્યુઆરીથી લાગુ થશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી-2022 નિમિત્તે દિલ્હી એનસીઆરના અધિકારક્ષેત્રમાં પેરા લિડર, યુએવી, યુએએસ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, રિમોટલી ઓપરેટેડ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, સ્મોલ સાઈઝ ઓપરેટેડ એરક્રાફ્ટ, ક્વાડકોપ્ટર અથવા એરક્રાફ્ટ પેરા જમ્પિંગ બંધ કરવામાં આવ્યું છે. આમ કરવાથી ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ આદેશ 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.