અયોધ્યાઃ રામ મંદિર નિર્માણને લઈને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસની આજે મહત્ત્વની બેઠક અયોધ્યામાં મળવાની છે. આજની બેઠકને લઈને ન્યાસના મહામંત્રી ચમ્પત રાયે દાવો કર્યો છે કે, આજે ભૂમિ પૂજનની તારીખની જાહેરાત થશે. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્યની તૈયારી પૂરી થઈ ગઈ છે. ભૂમિ પૂજન બાદ કાર્ય શરૂ કરવામાં આવશે, જેને લઇને ટ્રસ્ટ તારીખની જાહેરાત કરી શકે છે. મંદિર નિર્માણ કાર્યના ઉદ્ઘાટન માટે ટ્રસ્ટના અધ્યક્ષ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.


ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને બેઠક માટે બોલાવ્યા નથી

આ બેઠક માટે ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને જ આમંત્રણ આપેવામાં આવ્યું નથી. તેનાથી મહંત નૃત્ય ગોપાલ દાસ નારાજ છે અને કહ્યું કે, અધ્યક્ષ વગર બેઠક કેવી રીતે થશે. જોકે તેમણે ન્યાસના સભ્યોની વચ્ચે મતભેદની વાત ફગાવી દીધી છે, પરંતુ એક સભ્ય ચંપત રાય પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે, તેમને બેઠકની કોઈએ જાણકારી આપી નથી. એવામાં બોલાવશે તો બેઠકમાં જશે.

બેઠકમાં 15માંથી 12 સભ્યો ભાગ લે તેવી આશા

આજની બેઠકમાં 15માંથી 12 સભ્યો ભાગ લેવાની આશા છે. અન્ય 3 સભ્યો વીડિયો કોન્ફર્સિંગ દ્વારા બેઠકમાં સામેલ થઈ શકે છે. બેઠક અયોધ્યા સર્કિટ હાઉસમાં બપોરે 3 કલાકે શરૂ થશે. કહેવાય છે કે, ભૂમી પૂજનની સાથે જ મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે. ત્યારે મંદિર નિર્માણની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. પરિસરમાં 3 એકર જમીને સમતલ કરવાનું કામ પૂરું થઈ ગયું છે, હવે પાયો રાખવાની તૈયારી છે.

વરિષ્ઠ વકીલ કે પારાસરન, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ અને સ્વામી વિશ્વપ્રસન્ન તીર્થ જી મહારાજ આ બેઠકમાં ઓનલાઇન સામેલ થશે.