અયોધ્યાઃ પ્રધાનમંત્રી મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. આ અવસરે તેમણે સંબોધન કર્યુ હતું. આજે તેમણે જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા. પ્રધાનમંત્રી મોદીએ આજે પરંપરાગત ધોતી-કુર્તા પહેર્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા.


મોદીએ કહ્યું કે, રામ જન્મભૂમિ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું અને ઐતિહાસિક કાર્યક્રમનો હિસ્સો લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ હતું, તર્પણ હતુ, સંઘર્ષ પણ હતો, સંકલ્પ પણ હતો.

જેના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલ રહી છે, હું એ બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.  ભગવાન શ્રી રામનો સંદેશ, રામમંદિરનો સંદેશ, આજે આપણા હજારો વર્ષોની પરંપરાનો સંદેશ, કેવી રીતે વિશ્વ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. આપણી જીવન દ્રષ્ટિથી વિશ્વ પરિચિત થાય તે આપણા સૌની વર્તમાન અને ભાવિ પેઢીની જવાબદારી છે.

ભગવાન રામે એમ પણ બતાવ્યું છે કે જ્યા સુધી આપણી પાસે તાકાત નહીં હોય ત્યાં સુધી ડર નહીં હોય. આ માટે રાષ્ટ્રએ શક્તિશાળી બનવાની જરૂર છે. પ્રધાનમંત્રીનું મોદીનું આ નિવેદન તાજેતરમાં ચીન સાથે થયેલા વિવાદને લઈ આપવામાં આવ્યું છે.

ભારતમાં અયોધ્યામાં સુવર્ણ અધ્યાય રચાઈ રહ્યો છે. મંદિરની સાથે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છએ. રામ મંદિર માટે જે લોકોએ બલિદાન આપ્યુ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભગવાન રામ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આજે પૂજનીય છે. રામ મંદિરના નિર્માણથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ઉછાળો આવશે.

ભારતની આસ્થામાં રામ છે, આદર્શોમાં રામે છે. ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે.