સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અયોધ્યાના એન્ટ્રી ગેટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અયોધ્યામાં અંદર જવાના તમામ રસ્તા બંધ કરી દેવાયા છે. વિવાદિત સ્થળની ચારેય તરફ બે કિલોમિટરના ક્ષેત્રફળને સમગ્ર રીતે સિલ કરી દેવામાં આવ્યું છે. જેને રામકોટ મોહલ્લો કહેવાય છે.
આ મહોલ્લામાં સુરક્ષા દળની સંખ્યા વધારી દેવાઈ છે. અયોધ્યામાં ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માત્ર ટુ-વ્હીલર ચલાવવાની જ પરવાની છે. જોકે કેટલીક જગ્યાએ ટુ-વ્હીલરને પણ પરવાનગી નથી. હનુમાનગઢીમાં પણ પોલીસને તૈનાત કરવામાં આવી છે. જ્યારે ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી છે.
અયોધ્યામાં વિવાદી સ્થળે જતાં રસ્તા સીલ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને પણ ઓળખપત્ર અને વાહનોની કડક ચકાસણી બાદ જ અયોધ્યામાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. શહેરમાં અને તમામ રસ્તા પર બેરિકેટ લગાવાયા છે. ગ્રામીણ વિસ્તારમાં પણ પોલીસ મૂકાઈ છે.