નવી દિલ્હી: મુસ્લિમ પક્ષકારોએ અયોધ્યા જમીન વિવાદ મામલે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનઉ સ્થિત ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ અલૂમ નદવાતુલ ઉલેમાં(નદવા) થયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. સાથે એવી પણ ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે બાબરી મસ્જિદના બદલે કોઈ પણ જમીન લેવી જોઈએ નહી. આ પક્ષકારોએ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહમાની સાથે નદવામાં મુલાકાત દરમિયાન આ મામલે ચર્ચા થઈ હતી.


બોર્ડના સચિવ જફરયાબ જિલાનીએ જણાવ્યું કે મૌલાના રહમાનીએ રવિવારે નદવામાં થનારી બોર્ડની વર્કિંગ કમિટિની મહત્વપૂર્ણ બેઠક પહેલા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સાથે જોડાયેલા વિભિન્ન મુસ્લિમ પક્ષકારોના અભિપ્રાય જાણવા માટે બોલાવી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ એક અનૌપચારિક બેઠક હતી. જેમાં મુસ્લિમ પક્ષના અનેક મોટા ચહેરા સામેલ હતા અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવ્યૂ પિટિશન દાખલ કરવા પર ઇચ્છા વ્યક્ત કરી હતી. અયોધ્યા મામલાને લઈને ઑલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડે પણ રવિવારે બેઠક કરવા જઈ રહ્યું છે. આ બેઠક પહેલા જ અનેક મુસ્લિમ પક્ષકારો અયોધ્યા પર પુર્નવિચાર અરજી માટે તૈયાર થયા છે.