નવી દિલ્હીઃ કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. નાઇક કોવિડ-19થી સંક્રમિત થયા હોય તેવા મોદી સરકારના ત્રીજા મંત્રી છે. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિ આવ્યો હતો. બંને નેતા હોસ્પિટલમાં જ દાખલ છે.


નાઇકે ટ્વિટ કરીને કહ્યું, મેં આજે કોવિડ-19 પરીક્ષણ કરાવ્યું અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ તકલીફ નથી અને આ માટે હોમ આઈસોલેશમાં રહેવાનો ફેંસલો કર્યો છે. તેમણે આગળ લખ્યું, જે લોકો છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવવાની અને જરૂરી સાવધાની રાખવાની સલાહ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 લાખ 29 હજાર 638 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 46,091 લોકોનાં મૃત્યુ થઈ ગયું છે, જ્યારે 16 લાખ 39 હજાર લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,963 નવા કેસ સામે આવ્યા છે અને 834 લોકોના મોત થયા છે.