નવી દિલ્હી: આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થયેલી નવરાત્રિ 7 ઓક્ટોબરે સમાપ્ત થશે. દેશભરમાં માતાના દરબારમાં ભક્તોની ભીડ ઉમટી છે. ત્યારે આ નવરાત્રિના દિવસોમાં ભક્તો આસ્થા સાથે નિયમોનું સખ્તાઈથી પાલન કરી ઉપવાસ રાખતા હોય છે. કેટલાક લોકો ફળાહાર ઉપવાસ રાખે છે તો કેટલાક નિર્જલા વ્રત પણ રાખે છે. એવામાં લોકોને હંમેશા જાણવાની ઈચ્છા હોય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિ કોઈ રીતે ઉજવે છે અને કયા ઉપવાસ કરે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 40 વર્ષથી બે નવરાત્રિ, ચેત્ર અને શારદીય નવરાત્રિ પર ઉપવાસ કરતા આવ્યા છે. પીએમ મોદી નવે નવ દિવસ ઉપવાસ રાખે છે અને નિયમોનું કડક પાલન પણ કરે છે.


ઉપવાસ દરમિયાન પીએમ મોદી સવારે અને સાંજે માતાની પૂજા અર્ચના કરે છે. નવમી સાથે નવ દિવસ પૂરા થવાના આગલા દિવસે એટલે કે દશમી તિથિ દશેરાના દિવસે પીએમ મોદી શસ્ત્ર પૂજા કરે છે.

પીએમ મોદી કેટલા સખ્ત નિયમોનું પાલન કરે છે તેનું ઉદાહરણ 2014માં સામે આવ્યું હતું ત્યારે પીએમ મોદી નવરાત્રિના સમયે અમેરિકાના પ્રવાસે હતા. તે સમયે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં શાનદાર દાવત રાખી હતી. તે સમયે પીએ મોદીએ નિયમોનું પાલન કરતા માત્ર નિંબૂ પાણી જ પીધું હતું.