'બાબા કા ઢાબા' ચલાવતા કાંતા પ્રસાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કાંતા પ્રસાદે ગુરુવારે રાતે અંદાજે 10.30 વાગે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. નાજુક હાલતમાં તેમને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શરુઆતની તપાસમાં પોલીસને આશંકા છે કે બાબાએ ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. પોલીસના સૂત્રોએ એ પણ જણાવ્યું કે કાંતા પ્રસાદની પત્નીએ જણાવ્યું કે તેમણે ડિસેમ્બર 2020માં રેસ્ટોરન્ટ ખોલી હતી, જે ચાલી નહી. ત્યાં તેમને ઘણુ નુકસાન થયું હતું.


ડીસીપી સાઉથ અતુલ ઠાકુરનું કહેવું છે કે કાંતા પ્રસાદના દિકરા કર્ણએ પોલીસને જણાવ્યું કે કાંતા પ્રસાદે ગુરુવારે રાત્રે દારુ પીધા બાદ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. તબિયત બગડતા તેમને સફદરગંજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા છે. 


શું છે મામલો ?
પોલીસ અનુસાર ગુરુવારે મોડી રાત્રે આશરે 11.15 વાગ્યે સફદરગંજ હોસ્પિટલમાંથી સૂચના મળી કે એક શખ્સને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યો છે, જેણે ઊંઘની ગોળીઓ ખાધી છે. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી તે શખ્સની ઓળખ કાંતા પ્રસાદ તરીકે થઈ હતી, જે માલવીય નગરમાં બાબા કા ઢાબા ચલાવે છે. 


કાંતા પ્રસાદના પત્નીએ જણાવ્યું કે ડિસેમ્બર 2020માં બાબાએ માલવીય નગર વિસ્તારમાં જ એક રેસ્ટોરન્ટ ભાડા પર ચાલુ કરી હતી, જે ચાલી નહી. તેનું ભાડુ 100000 મહિનાનું હતુ, જ્યારે રેસ્ટોરન્ટમાંથી કુલ કમાણી 30, 000 થઈ રહી હતી. આ કારણે રેસ્ટોરન્ટ બંધ કરવું પડ્યું અને થોડા દિવસો બાદ બીજી વખત બાબા કા ઢાબા શરુ કર્યો હતો.


ગૌરવ નામના યુટ્યુબરે કાંતા પ્રસાદના બાબા કા ઢાબાનો એક વીડિયો બનાવ્યો હતો. જે ખુબ વાયરલ થયો હતો. વિડીયોમાં લોકોને તેમની મદદ કરવા કહ્યું હતું. જે પછી કાંતા પ્રસાદનો ઢાબો રાતોરાત પ્રખ્યાત બન્યો. દેશભરના લોકોએ તેમને આર્થિક મદદ પણ કરી હતી.