નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે ભાજપ અને વીએચપીના મોટા નેતાઓ પર ચાલી રહેલા કેસને નવ મહિનામાં ઉકેલ લાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરી રહેલી લખનઉના વિશેષ જજ એસ કે યાદવને સેવા વિસ્તાર આપતા કેસનો ઉકેલની સમયસીમા નક્કી કરી હતી. યાદવ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના હતા. કોર્ટે યુપી સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે જજને સેવા વિસ્તાર કરવાના ઔપચારિક આદેશ જાહેર કરે. સાથે સ્પષ્ટતા કરી હતી કે આ સમયગાળામાં જજ ફક્ત એક જ કેસની સુનાવણી કરશે.

સીબીઆઇએ મૂળ અપીલ 21 નેતાઓ વિરુદ્ધ હતી પરંતુ સાત નેતાઓ હવે આ દુનિયામાં નથી જ્યારે કલ્યાણ સિંહ હાલમાં રાજસ્થાનના રાજ્યપાલ હોવાના કારણે કેસમાંથી છૂટ મળી છે. 2017માં આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે, ફક્ત કેટલીક ટેકનિકલ કારણોસર કેસ લખનઉ અને રાયબરેલીની કોર્ટમાં અલગ અલગ ચાલી રહ્યો છે. આ કારણે મોટા નેતાઓ પર કાવતરાની કલમ પણ લાગી શકી નથી. જસ્ટિસ પીપી ઘોષ અને રોહિંટન નરીમનની ખંડપીટે આ અડચણ દૂર કરતા બંન્ને કેસને એક સાથે લખનઉમાં ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ કેસને 25 વર્ષ સુધી ચલાવવા પર સવાલ ઉઠાવતા કોર્ટે બે વર્ષની અંદર કેસનો ઉકેલ લાવવાનો આદેશ આપ્યો હતો.