લખનઉઃ સોનભદ્ર હત્યાકાંડને લઇને ઉત્તર પ્રદેશનુ રાજકારણ ગરમાઇ ગયુ છે, વિધાનસભાથી લઇને રસ્તાંઓ સુધી સોનભદ્ર હત્યાકાંડને લઇને શોર-બકોર અને બુમાબુમ થઇ રહી છે. આ બધાની વચ્ચે વારાણસીથી સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્જાપુરમાં અટકાવી દેવામાં આવી હતી, પ્રિયંકા અહીં કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેસી ગઇ હતી. હવે પોલીસે પ્રિયંકા ગાધીની અટકાયત કરી દીધી છે.

પ્રિયંકા ગાંધીના પ્રવાસ પહેલા જ સોનભદ્રમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યુ હતુ. ધારા 144 લગાવી દેવામાં આવી હતી. પ્રિયંકાએ કહ્યું કે, હુ માત્ર પીડિત પરિવારને મળવા ઇચ્છુ છું, મે એટલે સુધી કહ્યુ કે હું મારી સાથે માત્ર ચાર લોકોને જ લઇને જઇશ. આમ છતાં તંત્રએ મને જવા દીધી નહી. અમને જાણી જોઇને રોકી દેવામાં આવ્યા છે, અમે અહીં ધરણાં પર બેસ્યા રહીશું.


નોંધનીય છે કે, બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્રના મૂર્તિયા ગામમાં જમીન વિવાદને લઇને 10 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આમાં 28 લોકો ઘાયલ પણ થયા હતા. કહેવાઇ રહ્યુ છે કે, મૂર્તિયા ગામના બહારના વિસ્તારમાં સેંકડો વિઘા ખેતરો છે, જેના પર કેટલાક ગ્રામીણો પરંપરાગત-બાપદાદા વખતના ખેતી કરી રહ્યાં છે.


ગ્રામીણો અનુસાર, આ જમીનનો એક મોટો ભાગ ગ્રામ પ્રધાન યજ્ઞદત્તનું નામ છે. ગ્રામ પ્રધાને એક આઇએએસ પાસેથી 100 વિધા જમીન ખરીદી હતી. જ્યારે બુધવારે સવારે 11 વાગે ગ્રામ પ્રધાન યજ્ઞદત્ત ગુર્જરે આ જમીન પર કબ્જો જમાવવા માટે લગભગ 200 લોકો અને 32 ટ્રેક્ટરો સાથે જમીન લેવાની કોશિશ કરી તો વિવાદ થઇ ગયો હતો.