નવી દિલ્હીઃ બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ ફરી એક વખત ત્યાં આતંકી કેમ્પ શરૂ થઈ ગયા છે. પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ ચલાવવામાં આવી રહ્યા હતા જ્યાં ફેબ્રુઆરીમાં પુલવામાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક કરીને નષ્ટ કર્યા હતા. પરંતુ હવે ફરીથી ત્યાં આતંકીઓને  ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ માહિતી સંસદમાં કોંગ્રેસના એક સવાલના જવાબમાં ખુદ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકી કેમ્પો અંગે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે બાલાકોટમાં ફરી આતંકી કેમ્પોને શરૂ કરવામાં આવ્યા છે. અને ત્યાં પાકિસ્તાન દ્વારા હાલ આતંકીઓને તાલિમ પણ આપવામાં આવી રહી છે. સાથે ગૃહ મં ત્રાલયે ખાતરી આપી હતી કે ભારત કોઇ પણ પ્રકારના દુશ્મન દેશના હુમલા કે આતંકી કૃત્યોનો સામનો કરવા કે જવાબ આપવા માટે સક્ષમ છે અને કાર્યવાહી થઇ રહી છે.

આ પહેલા સરકારે એવો દાવો કર્યો હતો કે એરફોર્સ દ્વારા બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં અનેક આતંકી કેમ્પોને ઉડાવી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ પાકિસ્તાને પોતાના ત્યાં ચાલતા અન્ય આતંકી કેમ્પો બંધ કર્યા હતા. હવે અહેવાલો છે કે પાકિસ્તાને ફરી આ આતંકી કેમ્પ શરૂ કરી  દીધા છે. નોંધનીય છે કે, બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને તેના ભાઇઓ મળીને આતંકી કેમ્પોમાં તાલિમ આપી રહ્યા છે.