નવી દિલ્હીઃ ઉદ્ધવ ઠાકરે સાથે ગુરુવારે બે નાયબ મુખ્યંત્રી અને 15 મંત્રી શપથ લઈ શકે છે. કહેવાય છે કે, તેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના પાંચ પાંચ મંત્રી સામેલ હશે. અહેવાલ અનુસાર આ મેદેદ સહમતિ બનાવવા માટે એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે કોંગ્રેસ, શિવસેના અને એનસીપી નેતાઓની બેઠક મળી હતી.


સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નવી સરકારમાં જે બે ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવશે તેમાં કૉંગ્રેસનાં કોટામાંથી બાલાસાહેબ થોરાટ અને એનસીપીનાં કોટાથી જયંત પાટિલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

તો એનસીપી નેતા અજિત પવારની આ સરકારમાં શું ભૂમિકા હશે એ અત્યારે સ્પષ્ટ નથી. બીજી તરફ અજિત પવારે કહ્યું કે મંત્રી પદ પર તેઓ પાર્ટીનાં નિર્ણયનું સન્માન કરશે. અજિત પવારે કહ્યું કે મંત્રી પદને લઇને તેમની પાર્ટી જે પણ નિર્ણય લેશે તે તેમને મંજૂર હશે.

બીજી તરફ શિવસેના તરફથી સંકેત આપવામાં આવી રહ્યા છે કે અજિતને મંત્રી પદ આપવામાં આવી શકે છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, “અજિત પવાર ગઠબંધનમાં એક મોટી ભૂમિકામાં હશે. જુઓ કેટલું મોટું કામ કરીને આવ્યા છે.” તેમણે પત્રકારો સાથે વાતચીતમાં એ પણ કહ્યું કે, તેઓ પહેલાથી જ કહી રહ્યા હતા કે અજિત પવાર પાછા આવી જશે. મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં અધ્યક્ષ બાલાસાહેબ થોરાટનું કહેવું છે કે મહાવિકાસ આઘાડીનાં ત્રણેય સહયોગીઓની વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્રની આગામી સરકારમાં વિભાગોની વહેંચણીનો મુદ્દો શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ બે દિવસની અંદર ઉકેલી દેશે.”