શુક્રવારે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, આજના ચેકનાં નાણાં છેક સોમવારે મળશે
abpasmita.in | 28 Jul 2016 07:46 AM (IST)
નવી દિલ્હીઃ ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી કરવા અને બેંકોનુ ખાનગીકરણ રોકવાની માંગણી સાથે યુનાઇટેડ ફોરમ બેંક યુનિયન્સે આવતી કાલે 29 જુલીએ દેશવ્યાપી હડતાલનુ એલાન આપ્યુ છે. જેના કારણે કરોડો રૂપિયાનુ કલીયરીંગ ખોરવાઇ જશે અને આજે એટલે કે ગુરૂવારે ભરેલા ચેકની રકમ ખાતેદારને સોમવારે મળશે. આ હડતાલમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના તમામ વર્ગના કર્મચારીઓ જોડાશે, જેના કારણે આ બેંકોનુ કામકાજ ખોરવાઇ જશે. આ હડતાલને કારણે ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસની બેન્કીંગ કામગીરીને અસર થશે. આજે બેંકમાં જમા થનારા ચેકોનું આવતી કાલે કલીયરીંગ નહી થાય. આવતી કાલે બેંક બંધ હોવાથી કલીયરીંગ હાથ ધરી શકાશે નહી. આ સંજોગોમાં શનિવારના રોજ બેંકોમાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસનું ભેગુ કલીયરીંગ જમા થશે. આજે જમા થયેલા કલીયરીંગનું રિટર્ન શનિવારના રોજ થશે અને તેની ક્રેડીટ સાંજે ખાતામાં જમા મળશે. પરિણામે આ રકમ સોમવારે ઉઘડતી બેંકે ઉપાડી શકાશે. હાલ તમામ બેંકોનુ કલીયરીંગ એનપીસીઆઇમાં કરવામાં આવે છે. આવતીકાલે ખાનગી અને સહકારી બેંકો ચાલુ રહેવાની છે પરંતુ કલીયરીંગ થશે કે નહી એ નક્કી નથી. આવતીકાલે હડતાલ સંદર્ભે કર્મચારીઓએ આજે ઠેર-ઠેર દેખાવો કર્યા હતા. આવતીકાલે પણ દેખાવોનુ આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતના 25,000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાશે.