મુંબઈ : એક અત્યંત આઘાતજનક ઘટનામાં મુંબઈથી કોચી જતી ઈન્ડિગો એરવેઝની ફ્લાઈટમાં એક પ્રવાસીએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ની તરફેણમાં નારા લગાવ્યા હતા. આ ઘટનાને પગલે આ વિમાનનું બુધવારે મુંબઈ એરપોર્ટ પર તાકિદનું ઉતરાણ કરાવવું પડ્યું હતું. ફ્લાઈટમાં પ્રવાસીએ આતંકવાદી સંગઠનની તરફેણમાં નારા લગાવતાં સહયાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે ક્રૂ મેમ્બર્સે પાઈલોટ્સને જાણ કરી હતી. પાયલોટ્સે તરત જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દીધું હતું અને એરપોર્ટ કંટ્રોલને જાણ કરી હતી.

એરપોર્ટની સુરક્ષાની જવાબદારી જેના માથે છે તે સીઆઈએસએએફ (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનોએ વિમાનને ઘેરી લીધું હતું અને નારા લગાવનારા શખ્શ તથા તેના સાથીને ઉતાર્યા હતા. એ પછી તેમને પોલીસને સોંપ્યા હતા. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. જવાનોએ ફ્લાઈટને કોચી  રવાના કરી હતી.