નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના બદાયૂના બિસૌલીના બીજેપી ધારાસભ્ય કુશાગ્ર સાગર પર એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો છે. આરોપી ધારાસભ્યએ યુવતીને લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ બરેલીના એસએસપીને ફરિયાદ નોંધાવી હતી. 19 વર્ષીય યુવતીએ બરેલીના એસએસપીને લખેલી ફરિયાદમાં ભાજપના ધારાસભ્ય કુશાગ્ર સાગર પર બે વર્ષ સુધી બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. પીડિત યુવતીએ ધમકી આપતા કહ્યું કે, જો તેને ન્યાય નહી મળે તો તે આત્મહત્યા કરી લેશે.
પીડિતાએ કહ્યું કે, બિસૌલી વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય યોગેન્દ્ર સાગરનો દીકરો કુશાગ્ર હાલમાં બિસૌલીના ધારાસભ્ય છે. યુવતીનો આરોપ છે કે કુશાગ્રે લગ્નની લાલચ આપીને તેના પર સતત બે વર્ષ સુધી રેપ કર્યો હતો. પીડિતાએ કહ્યું કે, તેની માતા પૂર્વ ધારાસભ્ય યોગેન્દ્ર સાગરના બરેલીમાં આવેલા ઘર પર કામ કરતી હતી. તે સમય દરમિયાન કુશાગ્ર સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ લગ્નની લાલચ આપી કુશાગ્રે તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. બે વર્ષ બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે પીડિતાએ 2014માં તત્કાલિન એસએસપીને ફરિયાદ કરી હતી.
પીડિતાએ કહ્યું કે, તે સમયે કુશાગ્રના પિતાએ પીડિતાને કુશાગ્ર પુખ્ત થાય ત્યારે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જેના પર તે માની ગઇ હતી. પીડિતાએ કહ્યું કે, કુશાગ્ર બિસૌલીના ધારાસભ્ય છે અને આગામી 17 જૂનના રોજ તેના લગ્ન થઇ રહ્યા છે. એસએસપીએ કહ્યુ કે પીડિતાની ફરિયાદ મળી છે. હાલમાં કેસ દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ બીજેપીના ધારાસભ્ય કુશાગ્રનું કહેવું છે કે આ તમામ આરોપો નિરાધાર છે. મારી અને પાર્ટીની છબિ ખરાબ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. હું 25 વર્ષનો છું. મારા પર આરોપ લાગી રહ્યો છે કે મેં ચાર વર્ષ સુધી ઘરમાં રાખીને બળાત્કાર ગુજાર્યો છે. મે 21 વર્ષની ઉંમરમાં આ બધુ કેવી રીતે કર્યું? 2014માં મારા વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. પરંતુ કોઇ આરોપ સાબિત થયા નથી. બાદમાં મારી નોકરાણી અને તેમની દીકરીએ ફરી એફિડેવિટ પર સાઇન કરી છે.