Bathinda Military Station Updates: પંજાબના ભટિંડા સ્થિત આર્મી બેઝ પર આજે વહેલી સવારે થયેલા ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે, ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગ કેસમાં એફઆઈઆર મુજબ, ચાર સૈનિક તેમની ડ્યુટી બાદ તેમના રૂમમાં સૂઈ રહ્યા હતા ત્યારે સફેદ કુર્તા અને પાયજામામાં સજ્જ માસ્ક પહેરેલા બે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા છે.

હુમલાખોરોમાંથી એકના જમણા હાથમાં ઇન્સાસ રાઇફલ અને બીજા હાથમાં કુહાડી હતી. સવારે ગોળીબાર કર્યા બાદ બંને મેસની પાછળના ભાગે આવેલા જંગલમાં ભાગીને જતા જોવા મળ્યા હતા. મેસ પાસે સ્ટાફના રહેવા માટે બનાવેલી બેરેકમાં સૂતા હતા ત્યારે ચારેય જવાનને INSAS રાઈફલથી ગોળી મારી દેવામાં આવી હતી. શહીદ થયેલા જવાનોના નામ ગનર સાગર, ગનર કમલેશ, ગનર યોગેશ કુમાર અને ગનર સંતોષ છે. તમામની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે.

9મી એપ્રિલે રાઈફલ થઈ હતી ગુમ

આ ઘટનામાં વપરાયેલી INSAS રાઈફલ 9 એપ્રિલે ગુમ થઈ ગઈ હતી. આ રાઈફલ લાન્સ 31 માર્ચ 2023ના રોજ મૂપડી હરીશના નામે ફાળવવામાં આવ્યો છે. પંજાબ પોલીસે મેજર આશુતોષ શુક્લાના નિવેદન પર હત્યા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના નિવેદન અનુસાર ગુમ થયેલી INSAS રાઈફલ અને તેના 28 રાઉન્ડની સાથે કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના કેટલા વાગ્યે બની?

સેનાએ જણાવ્યું હતું હતું કે, ગોળીબારની ઘટના સવારે 4.30 વાગ્યે બની હતી, જેના પગલે ક્વિક રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને ઘેરી લીધો હતો. મળતી માહિતી મુજબ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને સમગ્ર મામલાની જાણકારી આપી છે.

સેના અને પોલીસની સંયુક્ત ટીમ કરી રહી છે તપાસ

ભારતીય સેનાએ કહ્યું હતું કે, ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગની ઘટનામાં સર્ચ ટીમે મેગેઝિન સાથેની એક ઇન્સાસ રાઇફલ મળી છે. વધુ વિગતો મેળવવા માટે હવે સેના અને પોલીસની સંયુક્ત ટીમો હથિયારનું ફોરેન્સિક વિશ્લેષણ કરશે. પંજાબ પોલીસ સાથે સંયુક્ત તપાસ ચાલુ છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.