BBC Documentary Ban: કોર્ટે આજે 2002ના ગુજરાત રમખાણો પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મામલે આજે એન રામ, મહુઆ મોઇત્રા, પ્રશાંત ભૂષણ અને એમએલ શર્માની અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત રમખાણોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે એપ્રિલમાં સુનાવણી થશે.






જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની ખંડપીઠે વરિષ્ઠ પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, એડવોકેટ પ્રશાંત ભૂષણ અને એડવોકેટ એમએલ શર્માની અરજીઓ પર સુનાવણી કરી હતી.  આ દરમિયાન અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સીયુ સિંહે ટ્વિટર પરથી લિંક હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર કોર્ટે કહ્યું હતું કે  અમે સરકારને આ સંબંધિત આદેશની ફાઇલ દાખલ કરવા માટે કહી રહ્યા છીએ.






જસ્ટિસ સંજીવ ખન્નાએ અરજીકર્તાઓના વકીલને સવાલ પૂછ્યો હતો કે તમે આ માટે હાઈકોર્ટમાં કેમ ન ગયા? સીયુ સિંહે કોર્ટને કહ્યું કે સરકારને આ પ્રકારની સત્તા આપતા કાયદાને પડકારની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના પર બેન્ચે કહ્યું હતું કે તે ઠીક છે, અમે નોટિસ જાહેર કરી રહ્યા છીએ. એપ્રિલમાં સુનાવણી થશે.


સીયુ સિંહે કોર્ટ પાસેથી વહેલી સુનાવણીની માંગ કરી હતી અને દલીલ કરી હતી કે ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગ કરવા બદલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજી પર બેન્ચે કહ્યું કે આ એક અલગ મુદ્દો છે. લોકો હજુ પણ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા છે.


ડોક્યુમેન્ટરીનો વિવાદ શા માટે?


બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. બે ભાગની આ ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ રીલિઝ થતા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે.  જેમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટરીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે ગુજરાત રમખાણો દરમિયાન કરવામાં આવેલા કેટલાક પાસાઓના તપાસ અહેવાલનો એક ભાગ છે.


ભારતમાં ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ, યુટ્યુબ વીડિયો અને તેને શેર કરતી ટ્વિટર લિંક્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યુટ્યુબ વીડિયો અને ટ્વિટર પોસ્ટને હટાવવાના સરકારના નિર્ણયનો વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને સેન્સરશિપ ગણાવી હતી.