ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયા બાદ સરહદ પર તણાવ ઓછો થયો છે. જે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંગળવારથી પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર ફરી એકવાર બીટિંગ રીટ્રીટ સમારોહ શરૂ કરવામાં આવશે. જોકે, કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પરેડ સાંજે 4:30 થી 5 વાગ્યાની વચ્ચે શરૂ થશે.
બીટિંગ રીટ્રીટ સમારોહ ફેરફારો સાથે શરૂ થશે
બીટિંગ રિટ્રીટમાં હવે ભારત તરફથી દરવાજા ખોલવામાં આવશે નહીં. હાથ પણ મિલાવાશે નહીં. જોકે, દર્શકોને પહેલાની જેમ જ આવવાની મંજૂરી છે.
ઓપરેશન સિંદૂર બાદ બંધ હતી બીટિંગ રીટ્રીટ સેરેમની
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 6-7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂર પછી એટલે કે 7 મેથી અટારી બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સમારોહ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સમારોહ લગભગ બે અઠવાડિયા સુધી બંધ રહ્યો હતો. આ ઉપરાંત દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ભારતીય સેનાએ સુવર્ણ મંદિર પર પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ સુવર્ણ મંદિર પર પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. 7 અને 8 મેના રોજ પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ સફળતા માટે સૈનિકોની પ્રશંસા કરી અને સરહદ સુરક્ષા દળના સંકલનની સમીક્ષા કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન સરહદ પરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ખેડૂતો માટે ફેન્સિંગ પર લાગેલા દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. હવે તેઓ સરહદની પાર જઇને ખેતી કરી શકશે. બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈનિકોએ ફેન્સિંગને પાર તમામ જમીન ચેક કરી હતી કે શું દુશ્મને ક્યાંય લેન્ડમાઇન બિછાવી નથી ને.